જામનગરમાં ઓમિક્રોનથી સંક્રમિત થયેલા વ્યકિતના પરિવારના બે સભ્યો પણ કોરોના સંક્રમિત
ગુજરાતમાં ખતરનાક કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ ખૂબ જ સર્તક થયું છે.
જામનગર: ગુજરાતમાં ખતરનાક કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ પણ ખૂબ જ સર્તક થયું છે. એવામાં જામનગરમાં કોરોના વધુ બે દર્દીઓ સામે આવ્યા છે. ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા આ બે વ્યક્તિ કોરોના સંક્રમિત આવતા ખળભળાટ મચી ગયો છે. આ બંને વ્યક્તિના નમૂના ઓમિક્રોનની તપાસ માટે લેબોલેટરીમાં મોકલ્યા છે. જામનગરમાં વધુ બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. અને બંને દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે ઝિમ્બાબ્વેથી જામનગર શહેરમાં આવેલા 72 વર્ષીય વૃદ્ધને કોરોનાનું સંક્રમણ થયું હતું અને ગઈકાલે તેના રિપોર્ટમાં ઓમિક્રોન વેરીએન્ટની પુષ્ટિ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાથી દુબઈ, દિલ્હી થઈને મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં પહોંચેલા એક વ્યક્તિમાં પણ ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ થયાની પુષ્ટિ થઈ હતી.
બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે. દિલ્હીમાં આજે સવારે ઓમિક્રોન વેરિઅન્ટનો નવો કેસ નોંધાયો હતો. મહારાષ્ટમાં આ પહેલા 1 કેસ નોંધાયો હતો આજે સાત નવા કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 8 કેસ થયા છે. રાજસ્થાનના જયપુરમાં 9 ઓમિક્રોનના કેસ નોંધાતા દેશમાં હાલ ઓમિક્રોન વેરિઅન્ટ કેસની સંખ્યા 21 પર પહોંચી છે.
ગુજરાતમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 48 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,39,589 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 4, જામનગર કોર્પોરેશનમાં 2, આણંદ 1, ભરુચ 1, ખેડા 1, કચ્છ 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરેન્દ્રનગર 1, તાપી 1 અને વલસાડમાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 349 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 342 નાગરિકો સ્ટેબલ છે. 8,17,263 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10095 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.