Jamnagar: નેવીમાં ફરજ બજાવતા જવાને સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી
જામનગરમાં INS વાલસુરા ખાતે ફરજ બજાવતા નેવીના જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયર કરી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.
જામનગર: જામનગરમાં INS વાલસુરા ખાતે ફરજ બજાવતા નેવીના જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયર કરી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે સ્પષ્ટ નથી થયું. જામનગર પોલીસે જવાન આત્મહત્યા કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં આવેલ લશ્કરના નેવી મથકમાં આ ઘટના બની હતી. INS વાલસુરા ખાતે ફરજ બજાવતા મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ઇકબાલ મોહમદખાન કયમખાની (ઉંમર વર્ષ 47) જવાને ગઈ કાલે સાંજે સાડા પાંચેક વાગ્યે એરિયા વોચ ટાવર નવ પર પોતાની ફરજ પર હતા, ત્યારે ત્યાં ફાયરીંગ થયાનો આવાજ આવ્યો હતો. જેને લઈને અન્ય જવાનો ત્યાં પહોચ્યા હતા. જ્યાં ઇકબાલ કયમખાનીને પેટના ભાગે ગોળી લાગેલી અને લોહીલુહાણ થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જો કે આ જવાનને સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું. પોતાની જ સર્વિસ રિવોલ્વરમાંથી છાતીના ભાગે ફાયરીંગ કરી જવાને આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી રહી છે.
આ બનાવ અંગે બેડી મરીન પોલીસ સ્ટેશનના PSI પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ અને નેવી દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.
રાજકોટમાં 1476 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ મામલે GST વિભાગની મોટી કાર્યવાહી
રાજકોટમાં જીએસટી બોગસ બિલિંગ કૌભાંડને લઈ જીએસટી વિભાગે તપાસ હાથ ધરી હતી. રાજકોટના સોની બજારમાં VP જવેલર્સ સીલ મારવામાં આવ્યું હતું. જ્યારે પારેખ બુલિયનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. 1 હજાર 476 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્વેલર્સને વારંવાર નોટિસ આપવામાં આવી હતી. તેમ છતા હાજર ન થતા કાર્યવાહી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે રાજકોટની સોની બજારમાં આવેલી આસ્થા ટ્રેડિંગ નામની પેઢીમાંથી 1467 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. આસ્થા ટ્રેડિંગ નામની પેઢીની તપાસમાં વી.પી. જ્વેલર્સનું નામ ખુલ્યું હતું. આસ્થા ટ્રેડિંગમાં જીએસટીની તપાસમાં બહાર આવ્યું હતું કે સોની બજારના કુલ 48 વેપારીઓએ ખોટા બિલો થકી નાણાકીય વ્યવહાર કર્યા હતા. દિવાળી બાદ વધુ 40 વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. DGGI દ્વારા વી.પી જવેલર્સને ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી. વી.પી જ્વેલર્સ ના અલગ અલગ દસ્તાવેજોની પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવી હતી.