કીર્તિદાન ગઢવીના ડાયરામાં અલ્પેશ ઠાકોર અને કાંધલ જાડેજાએ કર્યો રૂપિયાનો વરસાદ
હકુભા જાડેજા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક નેતાઓ અને સંતોએ હાજરી આપી હતી. હવે આ ભાગવત સપ્તાહમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર: હકુભા જાડેજા દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક નેતાઓ અને સંતોએ હાજરી આપી હતી. હવે આ ભાગવત સપ્તાહમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેતા અલ્પેશ ઠાકોર અને કાંધલ જાડેજાએ હકુભા પર નોટોનો વરસાદ કર્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો છે. હકુભા જાડેજા, અલ્પેશ ઠાકોર, કાંધલ જાડેજા સહિતના નેતાઓએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. સાંસદ વિનોદ ચાવડા ઉપર પણ રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા.
સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
ગઈકાલે રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલ જામનગરથી રવાના થતા હતા ત્યારે તેમની કાર પાસે ભાજપના નેતાઓ સાથે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પણ ઉપસ્થિત હતા. ત્યારે સીએમએ શૈલેષ પરમારને કહ્યું કે, તમારે આવવું હોય તો બેસી જાવ. તો બીજી તરફ ભાજપના નેતાઓએ પણ શૈલેષ પરમારને કારમાં બેસાડવા તૈયારી બતાવી હતી. જો કે કોંગ્રેસ નેતા કારમાં બેઠા નહોતા અને હસવા લાગ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ પહેલા હાર્દિક પટેલ પણ ભાજપના નેતાઓ સાથે આ સપ્તાહમા જોવા મળ્યા હતા.
આ પ્રસંગે સીએમએ જણાવ્યું કે, શ્રીમદ ભાગવત કથા પારાયણ જેવા ધાર્મિક આયોજનો જીવન વ્યવહારમાં રત માનવીના માનસિક ઉકળાટને શાંતિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. કથાના માધ્યમથી જીવનમાં આવતી મુશ્કેલીઓમાંથી કઈ રીતે બહાર આવી શકાય તેનું વ્યક્તિને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. મુખ્યમંત્રીએ ભાગવત કથામાં અનાથ બાળકો, ગંગા સ્વરૂપા બહેનો, દલિત સમાજ, દેશની રક્ષા કાજે શહિદ થયેલ સૈનિકોના પરિવારજનો, દિવ્યાંગ તથા પ્રજ્ઞાચક્ષુઓ તેમજ વૃધ્ધાશ્રમના વૃધ્ધો દ્વારા થઇ રહેલી આરતિ સમાજના વિવિધ વર્ગોને એક તાંતણે જોડવાનું કામ કરે છે તેમ જણાવી તેની સરાહના કરી હતી,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગરના આંગણે ભાગવત સપ્તાહના સુંદર આયોજન બદલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન જૂનાગઢ ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથજી બાપુ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, પ્રદીપ પરમાર, પૂર્વ મંત્રી જયેશ રાદડીયા, પૂર્વ સાંસદ વલ્લભ કથિરીયા, ધારાસભ્ય આર.સી. ફળદુ, શૈલેષ પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.