Monkeypox Cases : ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફેલાયો ફફડાટ, જાણો ક્યાં જિલ્લામાં નોંધાયો આ કેસ
Monkeypox in Gujarat : આ યુવકને જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
JAMNAGAR : ગુજરાતમાં મંકિપોક્સનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે અને રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જામનગરન જીકના નવા નાગના ગામના 29 વર્ષીય યુવકમાં મંકિપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા. હાલ આ યુવકને જામનગરની જી.જી. સિવિલ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે, તેમજ આ યુવકના સેમ્પલ લઇ અમદાવાદ મોકલવામાં આવ્યાં છે. સેમ્પલના પરિક્ષણ બાદ રિપોર્ટ આવ્યા બાદ આ યુવક મંકિપોક્સથી સંક્રમિત થયો છે કે નહીં તેની જાણ થશે. આ અંગે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું કે 29 વર્ષીય આ યુવકના બ્લડ સેમ્પલ અમદવાદની બી.જે. મેડિકલ કોલેજની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
A 29-year-old man from rural Jamnagar has been admitted to the Guru Govindsingh Hospital (G G hospital). The patient's blood samples have been sent to the #Ahmedabad B J Medical college laboratory for testing, said Manoj Aggarwal, Additional Chief Secretary in the health dept. pic.twitter.com/DuKasD3zCO
— IANS (@ians_india) August 4, 2022
દિલ્હીમાં 31 વર્ષની મહિલા થઈ સંક્રમિત
દિલ્હીમાં એક મહિલા મંકીપોક્સથી સંક્રમિત મળી આવી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, 31 વર્ષીય નાઈજીરિયન મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિકારીએ કહ્યું કે તે દેશની પ્રથમ મહિલા છે જેમાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે, મહિલાને તાવ અને હાથ પર ઘા છે અને તેને લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, આ મહિલાના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા અને બુધવારે મહિલામાં મંકીપોક્સના ચેપની પુષ્ટિ થઈ હતી. આ મહિલાએ તાજેતરમાં કોઈ વિદેશ યાત્રા કરી હોવાની કોઈ માહિતી મળી નથી.
રાષ્ટ્રીય રાજધાનીમાં અત્યાર સુધીમાં 4 લોકોમાં મંકીપોક્સ વાયરસની પુષ્ટિ થઈ છે. તો કેરળ રાજ્યમાં પણ અત્યાર સુધીમાં કુલ 5 કેસ નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 9 લોકોને મંકીપોક્સનો ચેપ લાગ્યો છે. અત્યાર સુધીમાં દિલ્હી અને કેરળની હોસ્પિટલમાંથી એક-એક દર્દીને રજા આપવામાં આવી છે. તો કેરળમાં મંકીપોક્સના કારણે એક દર્દીનું મોત પણ થયું છે.
આરોગ્ય મંત્રાલયની સલાહ
મંકીપોક્સના વધતા જતા કેસો વચ્ચે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ વાયરસને ફેલાતો અટકાવા માટે 'શું કરવું' અને 'શું ના કરવું' તેની યાદી બહાર પાડી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અથવા વારંવાર ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે, તો તેને પણ ચેપ લાગી શકે છે.
મંત્રાલયે કહ્યું કે, સંક્રમિત થવાથી બચવા માટે સંક્રમિત વ્યક્તિને અન્ય વ્યક્તિઓથી દૂર રાખવો જોઈએ. આ ઉપરાંત, હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ, સાબુ અને પાણીથી હાથ ધોવા, માસ્ક અને મોજા પહેરવા એ કેટલાક પગલાં છે જે રોગને રોકવા માટે લેવા જોઈએે.
મંત્રાલયે કહ્યું કે, જે લોકો ચેપગ્રસ્ત જણાયા છે, તેમની સાથે રૂમાલ, પથારી, કપડાં, ટુવાલ અને અન્ય વસ્તુઓ શેર કરવાનું ટાળવું જોઈએ. મંકીપોક્સથી સંક્રમિત દર્દીઓ અને સ્વાસ્થ વ્યક્તિઓના ગંદા કપડા એકસાથે ન ધોવા અને જાહેર કાર્યક્રમોમાં જવાનું ટાળવાની પણ સલાહ આપી હતી. મંત્રાલયે કહ્યું, “સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓ વચ્ચે ભેદભાવ ન કરો. આ સિવાય કોઈપણ અફવા કે ખોટી માહિતી પર વિશ્વાસ ન કરો.