Banaskantha : 19 વર્ષીય યુવતીની છરીના ઘા મારીને કરી નાંખી હત્યા, હત્યાનું કારણ અને હત્યારાનું નામ જાણો ચોંકી જશો
ભાભર તાલુકાના ચચાસણાની હેતલ ઠાકોર (ઉ.વ.19)ના બે વર્ષ પહેલાં મેરા ગામના ઠાકરશી લક્ષ્મણજી (ઉ.વ.21) સાથે થયા હતા. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પિયરમાં રહેતી હતી.
ભાભરઃ બનાસકાંઠામાં 3 મહિના પહેલા થયેલી 19 વર્ષીય યુવતીની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભાભર પોલીસે 3 માસ અગાઉ થયેલી યુવતીની હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. બીજા કોઈ નહીં, પરંતુ પતિએ જ પત્નીની હત્યા કરી હતી. પત્ની ન ગમતા હત્યા કરી હતી. 3 માસ અગાઉ મીઠા ગામની સીમમા છરી મારી હત્યા કરી હતી. લાશને ખાડામા દાટી પત્ની ગુમ થઈ હોવાનું નાટક કર્યું હતું. પોલીસે શકના આધારે પૂછપરછ કરતા ભેદ ઉકેલાયો છે.
આ અંગેની વિગતો એવી છે કે, ભાભર તાલુકાના ચચાસણાની હેતલ ઠાકોર (ઉ.વ.19)ના બે વર્ષ પહેલાં મેરા ગામના ઠાકરશી લક્ષ્મણજી (ઉ.વ.21) સાથે થયા હતા. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવાથી પિયરમાં રહેતી હતી. દરમિયાન ગત 4 જૂલાઇએ તેને પતિ લેવા માટે આવ્યો હતો. જેથી પિયરવાળાએ તેને સમજાવી પતિ સાથે મોકલી દીધી હતી.
બીજી તરફ, પતિએ પત્નીની હત્યાનો કાવતરું ઘડ્યું હતું, જેની કોઈને ગંધ પણ આવી નહોતી. પત્નીને મીઠાથી તેરવાડા જતા રસ્તામાં મીઠા ગામની થળી જંગલ જેવા વિસ્તારમાં રાત્રે સાથે લઈ ગયા બાદ તેની છરીના ઘા મારી હત્યા કરી નાંખી હતી અને લાશ જમીનમાં દાટી દીધી હતી.
આ પછી સવારે પિયર પક્ષને જાણ કરી હતી કે તમારી દિકરી ક્યાંક જતી રહી છે. જેથી મૃતકના પિતા બાબુજી ઠાકોરે 6 જુલાઈએ ભાભર પોલીસ મથકે દીકરી ગુમ થયાાની નોંધ કરાવી હતી. પોલીસે આ દિશામાં સઘન તપાસ કરી પરંતુ કંઈ હાથ લાગ્યું નહોતું. અંતે હેતલના પતિ ઠાકરશી લક્ષ્મણજી ઠાકોરના મોબાઈલ લોકેશન તપાસતા અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ પછી પતિને ભાભર પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરતા પોતે જ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. પતિની કબૂલાતને આધારે ત્રણ મહિના પહેલા હત્યા કરી લાશને જમીનમાં જ્યાં દાટી દીધી હતી ત્યાંથી તેને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી.