(Source: ECI/ABP News/ABP Majha)
BMC Elections: શું ઉદ્ધવ ઠાકરેને CM પદ આપવાનો વાયદો આપ્યો હતો? અમિત શાહે આપ્યું મોટું નિવેદન...
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે અને દગો આપવાનો આરોપ લગાવ્યો છે.
Amit Shah On Uddhav Thackeray: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે અને દગો આપવાનો આરોપ લગાવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈના પ્રવાસે છે. આજે સોમવારે લાલબાગ ચા રાજા ગણપતિ દર્શન કર્યા બાદ અમિત શાહે ભાજપના ધારાસભ્યો, સાંસદો અને સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ, અમિત શાહે બેઠકમાં કહ્યું કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી નાની થવાનું કારણ, ખુદ ઉદ્ધવ ઠાકરે અને તેમની સત્તાની લાલચ છે, ભાજપ નથી.
જે દગો આપે તેમને સજા થવી જોઈએઃ શાહ
અમિત શાહે કહ્યું કે, "રાજનીતિમાં જે લોકો દગો આપે છે તેમને સજા થવી જ જોઈએ. આજે હું ફરીથી કહેવા માંગુ છે કે, અમે ક્યારેય ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી પદ આપવાનો વાયદો કર્યો જ નહોતો. અમે બંધ રુમ નહી પણ છાતી ઠોકીને રાજનીતિ કરનારા લોકો છીએ. ઉદ્ધવ ઠાકરે ખુલ્લી આંખે સપના જોઈ રહ્યા હતા." ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં શિવસેના પાર્ટીમાંથી બળવો કરીને એકનાથ શિંદેએ ભાજપ સાથે હાથ મિલાવીને સરકાર બનાવી હતી.
ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
શિવસેનાના ઘણા ધારાસભ્યોએ એકનાથ શિંદે સાથે બળવો કર્યો, ત્યારબાદ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી સરકાર પડી ગઈ હતી. આ પછી, એકનાથ શિંદે જૂથ અને ભાજપ દ્વારા નવી સરકાર બનાવવામાં આવી હતી. સત્તા ગુમાવ્યા બાદ મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપે તેમને અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદનું વચન આપ્યું હતું, પરંતુ ચૂંટણી પછી શિવસેના સાથે દગો કર્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રીએ BMC ચૂંટણી વિશે ભવિષ્યવાણી કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ BMC ચૂંટણીમાં ભાજપની જીતની આગાહી કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભાજપ અને મૂળ શિવસેનાના ગઠબંધને BMC ચૂંટણીમાં 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખવું જોઈએ. જનતા પીએમ મોદીના નેતૃત્વવાળી ભાજપની સાથે છે, વિચારધારા સાથે દગો કરનાર ઉદ્ધવ પાર્ટી સાથે નથી. ઉદ્ધવ ઠાકરેએ માત્ર ભાજપ સાથે વિશ્વાસઘાત જ નથી કર્યો પરંતુ વિચારધારા સાથે પણ વિશ્વાસઘાત કર્યો હતો અને મહારાષ્ટ્રની જનતાના જનાદેશનું પણ અપમાન કર્યું હતું. અમિત શાહે બેઠકમાં સ્પષ્ટ કર્યું કે BMC ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગીઓએ શિવસેનાનો સફાયો કરવો છે.