(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: 5 મહિનાના બાળકનું કોરોનાની સારવાર દરમિયાન મોત થતાં તંત્ર થયું દોડતું ; 3 બાળકો શંકાસ્પદ
પરિવારજનોના RTPCR રિપોર્ટ કરાયા છે. RMCના આરોગ્ય વિભાગે પણ કોઠારિયા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે. બાળકોમાં શંકાસ્પદ લક્ષણ હોય તો તુરંત જ તેના ટેસ્ટ કરવામાં આવશે.
રાજકોટઃ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજકોટમાં આજે 5 મહિનાના બાળકનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજતાં તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ નિવેદન આપ્યું હતું કે, મૃતક બાળકને ધોરાજીથી કોરોનાનો ચેપ લાગ્યો હતો. બાળક અને તેના માતા છેલ્લા પાંચ મહિનાથી ધોરાજી હતા.
તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા પરિવારજનોના RTPCR રિપોર્ટ કરાયા છે. RMCના આરોગ્ય વિભાગે પણ કોઠારિયા વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. શહેરમાં ફરી ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવશે. બાળકોમાં શંકાસ્પદ લક્ષણ હોય તો તુરંત જ તેના ટેસ્ટ કરવામાં આવશે.
સિવિલ હોસ્પિટલના બાળકોનો કોરોના વોર્ડમાં હાલમાં ૩ બાળકો શંકાસ્પદ છે. ત્રણેયના RTPCR ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. કોરોનાથી બાળકીના મોતને લઈને શહેર અને જિલ્લાના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. જિલ્લા વિકાસ અધિકારીએ નિવેદન આપ્યું હતું કે, બાળક કો-મોરબિટ હતું. તેના પરિવારના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. ધોરાજી આરોગ્યની ટીમ મોકલી આજુબાજુમાં અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવશે. ત્રીજી લહેરની આશંકાને પગલે દોઢ લાખ બાળકોના સર્વે કરવામાં આવ્યો.
કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગરમાં રહેતા બાળકને 19 તારીખે કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 5:30 વાગ્યે મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. સિવિલ સુપરિટેન્ડન્ટ દ્વારા આ કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,75,726 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,22,69,128 લોકોનું રસીકરણ કરાયું છે. આજે રાજ્યમાં 14 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,008 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.
રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 180 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,008 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 3,જામનગર 2, જુનાગઢ કોર્પોરેશનમાં 2, સુરત 2, સુરત કોર્પોરેશન 2 અને ભાવનગર 1 કેસ સાથે કુલ 17 કેસ નોંધાયા છે.