રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
આ પહેલા ACBએ આ મામલે મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સાગઠીયાના ભાઈની રાજકોટ અને વતનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
Sagthiya office raid: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ઝડપેલ ટીપીઓ સાગઠિયાને લઈને મોટો ખુલાસો થયો છે. સાગઠિયાએ ભ્રષ્ટાચાર કરીને કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે. ગઈકાલે તેની ઓફિસનું સીલ ખોલતા જ મોટો ખજાનો એસીબીને મળી આવ્યું છે. રાજકોટના TPO સાગઠિયાની ઓફિસનો સીલ ACB દ્વારા તોડી નાંખવામાં આવ્યું હતું. આ દરમિયાન ACB ટીમે ઓફિસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા અને 15 કિલો સોનું જપ્ત કર્યું હતું.
હાલમાં, ACB દ્વારા મળી આવેલી રકમ અને સોનાની ગણતરી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ દરોડો ભ્રષ્ટાચારના આરોપોના આધારે કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, આ પહેલા પણ રાજકોટના ગેમ ઝોનમાં થયેલા વિસ્ફોટના મુખ્ય આરોપી એમ.ડી. સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા.. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.
ACBએ આ મામલે મનસુખ સાગઠીયા વિરુદ્ધ ગેરકાયદેસર મિલકત મેળવવાનો ગુનો નોંધ્યો છે. ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) સાગઠીયાના ભાઈની રાજકોટ અને વતનમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.
ACBની તપાસમાં જાણવા મળ્યું છે કે સાગઠીયાએ જાહેર સેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલા નાણાંનો ઉપયોગ વિવિધ મિલકતોમાં રોકાણ કરવા માટે કર્યો હતો.
આરોપી સાગઠીયા પાસેથી તેની કાયદેસર આવક કરતાં 410% વધુ સંપત્તિ મળી આવી છે.
સાગઠીયાએ રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં ભારે રોકાણ કર્યું હતું, જેમાં રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં વિલાનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોને નોટીસ ફટકાર્યા બાદ પોતે તે સંદર્ભે કેટલી કામગીરી કરી હતી તેના નકલી દસ્તાવેજી પુરાવાઓ સાગઠીયાએ પોતાના બચાવમાં બોગસ મીનીટસ બુક તરીકે ઉભા કર્યા હતા. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો હતો. બોગસ મીનીટસ બુકમાં સહી કરવા માટે સાગઠીયાએ ટીપી શાખાના અનેક કર્મચારીઓને ધમકાવ્યા પણ હતા. જેમની પણ સીટે પૂછપરછ કરી પુરાવા મેળવ્યા હતા.
વાસ્તવમાં ટીઆરપી ગેમ ઝોનના સંચાલકોએ જે ઈમ્પેકટ ફી પ્લાન રજૂ કર્યો હતો તે જ મૂળ ગેરકાયદે હતો. આમ છતાં અગ્નિકાંડ બાદ પોતાને બચાવવા માટે સાગઠીયા સહિતના આરોપીઓએ જૂની તારીખમાં આ પ્લાન ઈન્વર્ડ કરી દસ્તાવેજો સાથે ચેડાં કર્યા હતા. આ આખો આઈડીયા અગાઉ સાગઠીયા સાથે જ ધરપકડ કરાયેલા એટીપી ગૌતમ જોશીનો હોવાનું પણ સીટની તપાસમાં ખુલ્યું છે.