‘વરસાદ આવે એટલે પાંખું વાળા મકોડા આવે, ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે’: ગોપાલ ઈટાલિયા પર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડનો કટાક્ષ
રાજકોટમાં 'અધિકારી રાજ'ના આક્ષેપ પર ભાજપ ધારાસભ્યનો પલટવાર; ચોમાસા બાદ રોડ-રસ્તાના કામો શરૂ કરવા અને એક જૂથ થઈને ચૂંટણી લડવાનો દાવો.

Uday Kangad Gopal Italia news: રાજકોટના સામા કાંઠા વિસ્તારના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાના તાજેતરના આક્ષેપો પર આકરા પ્રહાર કર્યા છે. ઈટાલિયાની રાજકોટની સભા બાદ નિવેદન આપતા કાનગડે જણાવ્યું કે, "વરસાદ આવે એટલે પાંખું વાળા મકોડા આવે, અને ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે."
ઈટાલિયાએ રાજકોટમાં 'અધિકારી રાજ' હોવાના કરેલા નિવેદન પર જવાબ આપતા કાનગડે કહ્યું કે, અમે હંમેશા લોકોની સાથે રહેવાવાળા છીએ. તેમણે રોડ-રસ્તાના પ્રશ્ન પર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ચોમાસામાં રોડ અને પેવરના કામો થઈ શકતા નથી, પરંતુ ચોમાસું પૂરું થયા બાદ નવા રોડ અને પેવરના કામો શરૂ કરવામાં આવશે.
રાજકોટ ભાજપમાં જૂથવાદ અંગેના પ્રશ્ન પર કાનગડે દાવો કર્યો કે, રાજકોટની જનતા હંમેશા અમને આશીર્વાદ આપે છે. આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, "અમે મનપાની ચૂંટણી એકસંપ થઈને લડવાના છીએ." જોકે, પ્રદેશમાંથી શું આદેશ થયા છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરવાનો ઇનકાર કર્યો હતો.
રાજકોટમાં 'આપ'ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની જાહેરસભામાં હોબાળો
રાજકોટના પાટીદાર ગઢ ગણાતા સામા કાંઠા વિસ્તારમાં આજે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની જાહેર સભામાં હંગામો થયો. મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડું પાડવા આવેલા ઈટાલિયાની સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.
જોકે, ઈટાલિયાના સંબોધન દરમિયાન સુભાષભાઈ આહીર નામના એક વ્યક્તિએ ચાલુ સ્પીચે તેમને અટકાવ્યા અને સવાલ કર્યો કે, "તમે રાજકોટમાં આવીને ખાડાની વાત કરો છો, તો વિસાવદરમાં ખાડા નથી?" આ ઉપરાંત, તેમણે મોરબી પેટાચૂંટણીનો ઉલ્લેખ કરીને પણ વિરોધ નોંધાવ્યો હતો.
આ ઘટના બાદ ગોપાલ ઈટાલિયાએ આક્ષેપ કરતા કહ્યું કે, "ભાજપે આ નવું ચાલુ કર્યું છે, પાંચ હજાર અને દસ હજાર આપીને આવા લોકોને મોકલે છે." તેમણે પોતાના સંબોધનમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, રાજકોટમાં નેતૃત્વની કમી છે અને અમલદારશાહી ચાલી રહી છે. સામાન્ય કામ માટે પણ લોકોને પૈસા આપવા પડે છે. ઈટાલિયાએ દાવો કર્યો કે મનપાની ચૂંટણીમાં ભાજપની ભૂંડી હાર થશે અને રાજકોટમાં પણ વિસાવદર જેવી જ સ્થિતિ સર્જાશે, કારણ કે જનતા પરિવર્તન ઈચ્છી રહી છે.





















