શોધખોળ કરો
કોરોનાગ્રસ્ત શહેરોમાંથી આવતાં લોકોએ વધારી સૌરાષ્ટ્રની મુશ્કેલી, જાણો આજે કેટલા કેસો આવ્યા સામે?
અમદાવાદ, સુરત અને મુંબઈથી ગામડામાં આવેલા લોકોમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. આઠ દિવસ પહેલા જસદણ ગ્રીન ઝોન હતું. પાંચ દિવસમાં પાંચ કેસ નોધાયા છે.

રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે મુંબઈ, અમદાવાદ, સુરત સહિતના કોરોનાગ્રસ્ત શહેરોમાંથી પરત ફરી રહેલા લોકોને કારણે સૌરાષ્ટ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમજ મોટાભાગના કેસો કોરોનાગ્રસ્ત શહેરોમાંથી આવેલા લોકોને આવી રહ્યા છે. આજે સામે આવેલા કેસોની વાત કરીએ તો જામનગર જીલ્લામાં લાલપુર તાલુકાના પીપરટોડા ગામે મુંબઈથી આવેલ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો જામકંડોરણા તાલુકાના રાયડી ગામે 29 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુરતથી આવેલ યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉપરાંત જૂનાગઢમાં આદિત્ય નગરમાં રહેતા એક પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિ ૧૪ તારીખે સૂરતથી જૂનાગઢ આવ્યા હતા ત્યારથી હોમ કોરોન્ટાઈન હતા. આજે ભાવનગરમાં 25 વર્ષીય યુવાન તબીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તબીબ યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. અમદાવાદથી પરત ફરેલા ડોક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તારીખ 12થી 19 સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હતા ત્યારબાદ ભાવનગર પરત ફરતા તેઓના રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ જિલ્લામાં કોરોનાંના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મોટા શહેરોમાંથી ગામડામાં આવતા લોકોમાં કોરોનાંના કેસ વધી રહ્યા છે. અમદાવાદ, સુરત અને મુંબઈથી ગામડામાં આવેલા લોકોમાં કોરોનાના કેસ આવી રહ્યા છે. આઠ દિવસ પહેલા જસદણ ગ્રીન ઝોન હતું. પાંચ દિવસમાં પાંચ કેસ નોધાયા છે. રાજકોટના ગ્રામ્યમાં 12 કેસ અમદાવાદમાંથી આવ્યા તેના નોંધાયા છે. સરપંચોને આ અંગે એલર્ટ કરવામાં આવ્યા છે. સરપંચ અને તલાટીઓ શંકાસ્પદને લઈને આરોગ્ય વિભાગને જાણ કરે, તેવી સૂચના પણ આપવામાં આવી છે. શહેરમાંથી આવતા લોકો નહીં માને તો પોલીસ કાર્યવાહી કરીશું, તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
વધુ વાંચો





















