Vijay Rupani Funeral Live: રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન
Vijay Rupani Funeral Live: જેમાં તેમના ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે તેમના પરિવારને તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવશે.
LIVE

Background
મહત્વનું છે કે, અમદાવાદ વિમાન દૂર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે. 12 જૂને બપોરે 1.40 વાગ્યે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI171 ક્રેશ થઇ હતી જેમાં વિમાનમાં સવાર 241 મુસાફરોના મોત થયા હતા જ્યારે આ દૂર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. વિમાન અમદાવાદ એરપોર્ટ પરથી ટેક ઓફ થતાની ગણતરીની સેકન્ડોમાં જ બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 મુસાફરો સિવાય મેડિકલ હોસ્ટેલની મેસમાં રહેલા તેમજ આસપાસ રહેતા કેટલાક લોકોના પણ મોત થયા હતા.
ઉલ્લેખનીય છે કે તેમના આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક નિયંત્રણ અને જાહેર સહયોગ માટે વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવી છે. અંતિમ સંસ્કાર વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ રહી શકે છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
રાજકોટના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પંચમહાભૂતમાં વિલીન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજો હાજર રહ્યા; 6 કિલોમીટર લાંબી અંતિમયાત્રામાં 'વિજયભાઈ તુમ અમર રહો'ના નારાથી રાજમાર્ગો ગુંજી ઉઠ્યા
રાજકોટ, જૂન 16, 2025 – રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આજે બપોરે રામનાથપરા સ્મશાન ખાતે હજારો શોકમગ્ન લોકોની ઉપસ્થિતિમાં પંચમહાભૂત વિલીન થયા. તેમના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે.
વિજયભાઈ રૂપાણીના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત ભાજપના અનેક અગ્રણીઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ સામાન્ય નાગરિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. વિજયભાઈની અંતિમયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ, ત્યાં ત્યાં ઠેર ઠેર લોકોએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાજમાર્ગો પર આશરે 6 કિલોમીટર સુધી 'વિજયભાઈ તુમ અમર રહો' ના નારા ગુંજી ઉઠ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતો હતો.
વિજયભાઈની અંતિમયાત્રામાં સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ સુધી, તેમજ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિતના તમામ વય જૂથના લોકો ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો દર્શાવતા હતા કે તેમણે માત્ર રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક સાચા જનસેવક તરીકે લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. રામનાથપરા સ્મશાન ખાતે ભાવુક વાતાવરણમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર વિધિ કરાશે
પૂર્વ CM વિજયભાઈ રૂપાણીના આજે અંતિમ સંસ્કાર થશે, વિજય રૂપાણીનો પાર્થિવદેહ તેમના નિવાસ સ્થાને લઇ જવાઈ રહ્યો છે, નાગરિકોએ વિજયભાઈ રૂપાણીના અંતિમ દર્શન કર્યા છે, થોડા સમયમાં નિવાસસ્થાને વિજયભાઈનો પાર્થિવ દેહ લવાશે, મહાદેવ મંદિરના પટાંગણમાં પાર્થિવ દેહ લવાશે, મોટી સંખ્યામાં નેતાઓ, સમર્થકો નિવાસસ્થાને પહોંચ્યા છે. રાજકીય સન્માન, ગાર્ડ ઓફ ઓનર અંતિમ વિદાય અપાશે. રામનાથપરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર વિધિ કરાશે





















