(Source: Poll of Polls)
ડુંગળીના ભાવ અને ખેડૂતના વિરોધને લઇને, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું? સાંભળો
ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મુકતા હાલ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ નથી મળતાં, આ મુદ્દે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે આ મુદ્દે શું કહ્યું જાણીએ...
રાજકોટ:સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે ગયા હોવાથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેને લઇને ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સમાં મહત્વનું નિવેદન આપ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડુંગળીનો મુદ્દો ઉઠ્યો હતો. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે. આ મુદે પૂછેલા સવાલના જવાબમાં નરેશ પટેલે જણાવ્યું કે, ખેડૂતોની પરિસ્થિતિ હાલ વિકટ છે. સરકારે વહેલી તકે ખેડૂતોના હિત માટે નિર્ણય લેવો જોઇએ.
ઉલ્લેખનિય છે કે, કેન્દ્ર સરકારે ડુંગળીની સ્થાનિક પ્રાપ્યતા વધારવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે 8 ડિસેમ્બરે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ આવતા વર્ષે 31 માર્ચ સુધી અમલમાં છે. જેના કારણે હાલ ડુંગળીના ભાવ તળિયા જતાં ખેડૂતોને ગરીબોની કસ્તૂરી ડુંગળી રડાવી રહી છે. ખેડૂતોને ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતાં ખેડૂતો ઠેર ઠેર સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન પણ કરી રહ્યાં છે.
ગોંડલમાં ખેડૂતો આ મુદ્દે રોડ પર ઉતરી આવ્યા હતા. રોડ઼ પર ડુંગળી ફેંકીને રોષ પ્રગટ કરી રહ્યાં છે. ગોંડલ જૂનાગઢ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. ખેડૂતોને ડુંગળીનો પૂરતો ભાવ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નેશનલ હાઈવે પર ચારે બાજુ રસ્તા પર ડુંગળીને ખેડૂતો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે પ્રતિક્રિયા
ખેડૂતના ડુંગળી પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા આપી છે. તેમના કહેવા અનુસાર સરકારના ચાવવાના અને બતાવવાના દાત અલગ છે. એક બાજુ સરકાર 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી. ખેડૂતોની આવક ડબલ તો ન થઈ અડધી થઈ ગઈ છે. જ્યારે જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારે મળ્યા છે ત્યારે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા સરકારે નિકાસબંધી કરી દીધી. ગયા વર્ષે કપાસના ભાવ સારા મળતા હતા ત્યારે પણ સરકારે નિકાસબંધી કરી દીધી હતી.
જ્યારે તુવેરના ભાવ સારા મળતા હતા ત્યારે મ્યાનમારથી તુવેર આયાત કરી હતી. ગયા વર્ષે ઘઉંના ભાવ સારા મળતા થયા સરકારે પોતાના ગોડાઉનમાં રહેલા ઘઉં માર્કેટમાં મુક્યા હતા. વર્ષ 2021-22 માં કઠોળના ભાવ સારા મળતા થયા સરકારે 1.5 લાખ મેટ્રિક તન કઠોળની આયાત કરી હતી. વર્ષ 2020-21 માં જ્યારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે જ સરકારે 5 લાખ મેટ્રિક ટન આયાત કરેલી ડુંગળી માર્કેટમાં મૂકી હતી.આમ જ્યારે જ્યારે ખેડૂતોને પોતાની ઉપજના સારા ભાવ મળતા હોય ત્યારે સરકાર કોઈને કોઈ નિર્ણય લે છે જેના કારણે ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી.