Rajkot Gamezone Fire: લાલબાપુએ 24 હજાર ગાયત્રી મંત્ર કરી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુએ રાજકોટની ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. લાલબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજકોટ: ગધેથડ ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુએ રાજકોટની ગેમઝોન અગ્નિકાંડની ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. લાલબાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે લાલબાપુએ 24,000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન અર્પણ કર્યું છે.
ગાયત્રી આશ્રમના મહંત લાલબાપુએ કહ્યું કે, રાજકોટમાં જે દુર્ધટના બની તે સદગત આત્માઓને શાંતિ મળે તેના માટે હું શ્રદ્ધાંજલિ આપુ છું. રાજકોટમાં જે દુર્ધટના બની તે સદગત આત્માઓને સદગતિ અને શાંતિ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના અને 24000 ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન તેમને અર્પણ કરુ છું. પરિવારજનોને દુખ સહન કરવાની શક્તિ આપે એવી માતાજીને પ્રાર્થના કરુ છું. જય માતાજી.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાનુ ગધેથડ ગામ આજે દેશ-વિદેશમાં નામના ધરાવે છે. વેણુ ડેમના કાંઠે વસેલુ ગધેથડ ગામ સામાન્ય રીતે કોઈ મહત્વના કાર્ય માટે નહીં પરંતુ અહીંના ગાયત્રી આશ્રમના નિર્માણ કાર્ય કરનાર સંત એવા પૂજય લાલબાપુને લઈને છેલ્લા બે દાયકાથી ખૂબ જ પ્રખ્યાત થયુ છે.
પૂ. લાલબાપુ પોતાની સાધના કુટીરમાં કરે છે
પૂ. લાલબાપુ આશ્રમમાં રહેલી પોતાની સાધના કુટીરમાં રહીને કઠોર સાધના કરે છે. માતાજીની આરાધના સમયે તેઓ કોઈને પણ મળતા નથી. તેમની સાધના કુટીરમાં માત્ર તેમના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતને જવાની મંજુરી છે. સાધના કુટીરમાં નીચે એક ભોયરુ આવેલુ છે ત્યાં બેસીને તેઓ કઠોર સાધના કરે છે જયાં સૂર્ય પ્રકાશ પણ પહોંચી શકતો નથી.
પૂ. લાલબાપુ કરે છે ભક્તિ સાથે સમાજસેવાના કાર્યો
પૂ. લાલબાપુ દ્વારા માત્ર ભકિત જ નહીં પરંતુ સાથે-સાથે સમાજસેવાના કાર્યો પણ કરવામાં આવે છે. પાંચ દાયકાની સાધના દરમિયાન લાલબાપુ પાંચ વખત અજ્ઞાતવાસમાં રહી ચૂકયા છે. વર્ષ 1992માં તેઓએ 3 વર્ષ અજ્ઞાતવાસમાં રહી ભકિત કરી. જયારે અજ્ઞાતવાસમાંથી બહાર આવ્યા ત્યારે 151 કુંડી યજ્ઞ કર્યો જેનો 6 લાખ લોકોએ લાભ લીધો હતો.1998માં 12 વર્ષના અજ્ઞાતવાસ બાદ તેઓએ બહાર આવી 351 કુંડી યજ્ઞ કર્યો જેમાં 22 લાખ લોકો જોડાયા હતા. વર્ષ 2014માં તેમણે પોણા બે વર્ષ અજ્ઞાતવાસ બાદ બહાર આવી 551 કુંડી યજ્ઞ કર્યો જેનો લાભ 32 લાખથી વધુ લોકોએ લીધો હતો.
સેવાથી ફેલાવી સુવાસ
વર્ષોથી સાદુ જીવન જીવી સાધના કરતા પૂજય લાલબાપુ તેમના આશ્રમે આવતા દર્શનાર્થીઓને પોતાના હાથે રસોઈ બનાવી જમાડે છે. પોતાના શિષ્ય રાજુ ભગત અને દોલુભગત તેમના આ કાર્યમાં તેમને સાથ આપે છે.