મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના જન્મદિને મહિલાઓ માટે શું કરી મોટી જાહેરાત? જાણો વિગત
વિધવા બહેનોને લગ્ન કરવા માટે 50 હજારની જાહેરાત કરી છે. જે બાળકોના માતા પિતા કે પિતા કે માતાનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકોને મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે.
રાજકોટઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે જન્મ દિવસ છે, ત્યારે તેમણે પોતોના જન્મદિવસે મહિલાઓ માટે મોટી જાહેરાત કરી છે. વિધવા બહેનોને લગ્ન કરવા માટે 50 હજારની જાહેરાત કરી છે. જે બાળકોના માતા પિતા કે પિતા કે માતાનું મૃત્યુ થયું હોય તો તેવા બાળકોને મહિને બે હજાર રૂપિયા આપવામાં આવશે. અમે બાળકો સાથે ગોષ્ઠિ કરીને ભોજન લીધું, તેમ સી.એમ રૂપાણીએ જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. વિજય રૂપાણીએ પોતાના જન્મદિવસની ઉજવણી તેમના વતન રાજકોટમાં કરી હતી. તેમણે ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી તમને પગે લાગ્યા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીઢ નેતા વજુભાઈ વાળાના નિવાસ સ્થાને બંધ બારણે 25 મિનિટ સુધી બેઠક કરી હતી.
દરમિયાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વજુભાઇ વાળાના રાજકોટ આવવાથી કાર્યકર્તાઓને વડીલની હુંફ મળશે. વજુભાઇ ક્યારેય નિવૃત થતા નથી.અલગ અલગ સ્વરૂપમાં વજુભાઇ પાર્ટીની સેવા કરતા જોવા મળશે.વિજયભાઇ સાથેની મુલાકાત બાદ વજુભાઇ વાળાએ વિજયભાઈ રૂપાણીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, વિજયભાઈ રૂપાણી નીડર નેતા છે.મેં એમને આશીર્વાદ આપ્યા છે. 2022માં સંગઠન જે જવાબદારી સોંપશે એ હું નિભાવીશ. કોઈનો મારે સફાયો નથી કરવો, મારે ભાજપને આગળ વધારવું છે. વિજયભાઇના નેતૃત્વમાં વિકાસના કામો થઇ રહ્યા છે. આજે કોઇ રાજકીય ચર્ચા થઇ નથી. રાજકીય ચર્ચા સંગઠન અને સરકાર બંન્ને સાથે મળીને કરતા હોય છે. હું કાર્યકર્તા છું,પાર્ટી જે કામ સોંપશે તે હું કરવા માટે તૈયાર છું.
બે દાયકા સુધી પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીની તરીકે મહત્વની ભૂમિકા ભજવનાર ભીખુભાઈ દલસાણીયાને અચાનક કેમ દૂર કરાયા તેને લઈને ચાલતી અટકળો વચ્ચે વજુભાઈ વાળાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, ભીખુભાઈ દલસાણીયા સંઘ સાથે જોડાયેલા હતા આ સંજોગોમાં તેમને આ ભૂમિકામાંથી ખસેડી નવી કઈ ભૂમિકા આપવી તે પણ સંઘ નક્કી કરશે. રાજકોટ શહેર કૉંગ્રેસ અંગે પૂછાયેલા સવાલમાં વજુભાઇ વાળાએ કહ્યું કે, મારે કોઈનો સફાયો નથી કરવો. ભાજપને આગળ વધારવુ છે. પ્રધાનમંત્રીથી લઈને શેરી સુધીનો કાર્યકર બધા એક માળાના મણકા છે. જેનું જે સ્થાન હોય તે સ્થાન પર વફાદારીથી કામ કરે તે ભાજપની વિચારધારા છે.