Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, 98 તાલુકામાં પડ્યો વરસાદ
Gujarat Rain: રાજ્યમાં સવારથી જ મેઘરાજાની મહેર યથાવત છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 10 તાલુકામાં એકથી સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.

Gujarat Rain: રાજ્યમાં સવારથી જ મેઘરાજાની મહેર યથાવત છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 10 તાલુકામાં એકથી સાડા ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદ
આજે સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 4.61 ઇંચ નોંધાયો છે. આ ઉપરાંત, રાજકોટના પડધરીમાં 3.15 ઇંચ, પોશીનામાં 2.36 ઇંચ, અને પ્રાંતિજમાં 1.97 ઇંચ વરસાદ પડ્યો છે. જામકંડોરણા, કાલાવડ, તલોદ, ઉમરગામ, દાંતા, અને રાધનપુરમાં પણ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેર, હિંમતનગર અને ભિલોડામાં પણ સારો વરસાદ પડ્યો છે.
વલસાડમાં બે યુવકો પાણીના પ્રવાહમાં તણાયા
વલસાડના કપરાડા તાલુકાના મનાલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના બની હતી. કોઝવે પર ફરી વળેલા ખાડીના ધસમસતા પાણીમાં બાઇક સવાર બે યુવકો તણાયા હતા. જીવના જોખમે પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા તેઓ અડધે રસ્તે બાઇક સાથે તણાયા હતા. જોકે, સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદ કરીને બંને યુવકોને સહીસલામત બચાવી લીધા હતા.
મહીસાગર નદીના કિનારાના ગામો એલર્ટ પર
મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની સતત આવક થવાને કારણે બપોરે 2 વાગ્યે ડેમમાંથી 3.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ કારણે મહીસાગર નદીના કિનારે આવેલા 106 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રએ લોકોને નદીના પ્રવાહથી દૂર રહેવાની સૂચના આપી છે જેથી કોઈ દુર્ઘટના ન બને.
નર્મદા ડેમ અપડેટ અને એલર્ટ
નર્મદા ડેમના ૧૫ દરવાજા ૩.૩૫ મીટર ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી ૩ લાખ ૪૬ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે થોડીવારમાં ૩ લાખ ૯૫ હજાર ક્યુસેક પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે. મધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.
નર્મદા નદી કિનારે આવેલા વડોદરાના શિનોર અને કરજણ તાલુકાના તમામ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. શિનોર તાલુકાના એલર્ટ કરાયેલા ગામોમાં શિનોર, માલસર, સુરાશામળ, માંડવા, બરકાલ, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, અંબાલી, દરિયાપુરા, અને દિવેરનો સમાવેશ થાય છે. જ્યારે કરજણ તાલુકાના ગામોમાં સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલ, પુરા, ઓઝ, અરજનપુરા, દેલવાડા, સોમજ, સગડોળ, અને આલમપુરાને એલર્ટ કરવામાં આવ્યા છે.
વાહનવ્યવહાર પ્રભાવિત
રાજ્યમાં ભારે વરસાદના કારણે ૮૫ રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો છે, જેમાં ચાર સ્ટેટ અને બે નેશનલ હાઇવે હજુ પણ બંધ છે. પંચાયત હસ્તકના ૭૭ રસ્તાઓ પર પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.





















