Gujarat Rain: રાજકોટનું આ ગામ થયું સંપર્ક વિહોણું, નદીના પાણી ગામમાં ઘૂસતા લોકો વિકટ પરિસ્થિતિમાં મુકાયા
Gujarat Rain Update: આજે સવારથી જ રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત જળાશયો પણ છલોછલ ભરાઈ ગયા છે.
Gujarat Rain Update: આજે સવારથી જ રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. આ ઉપરાંત જળાશયો પણ છલોછલ ભરાઈ ગયા છે. તો બીજી તરફ ભારે વરસાદના કારણે ઉપલેટાનું સાતવડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ફુલઝર 2 નદીમાં ઘોડાપુર આવતા ગામ સંપર્ક વિહોણું થયું છે.
આ ઉપરાંત સાતવડી અને મોટી પાનોલી ગામ વચ્ચેનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. ગામને જોડતો એક જ માર્ગ હોવાથી સાતવડી ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામની ચારે તરફ પાણી ભરાયા છે. આ ઉપરાંત પાણી ગામમાં ઘુસવાની પણ શરુઆત થઈ ગઈ છે.
રાજકોટ શહેરમાં પણ એક કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ મધ્યમાં બપોરે 1 થી 2 વાગ્યા દરમિયાન એક કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજકોટ પશ્ચિમમાં 2 ઇંચ અને રાજકોટ પૂર્વમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જો કે વરસાદે વિરામ લેતા પાણી ઓસરવાની શરૂઆત થઈ છે.
સમગ્ર જામકંડોરણા પંથકને ધમરોડતા મેઘરાજા
વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. જામકંડોરણા તેમજ તાલુકાના બોરીયા બંધીયા, વિમલનગર, ચરેલ વગેરે ગામોમાં પાકનું ધોવાણ થયું છે. જામકંડોરણા તાલુકાના ચરેલ, સાતવડી, કાનાવડાળા ગામોમાં નવ ઈંચથી વધુ વરસાદ પડતા નદીઓ ઞાડીતૂર બની છે. ચરેલ ગામમાં પૂરના પાણી સ્કૂલમાં ઘુસી ગયા છે. સદનસીબે વધુ વરસાદના કારણે બાળકોને વહેલી રજા આપી દેવાથી વાલીઓએ હાસકારો અનુભવ્યો છે. વધુ વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
ભાયાવદરમાં જળબંબાકારની સ્થિતિ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. ઉપલેટાના ભાયાવદરમાં જળબંબાકારની સ્થિતિ છે. હવામાન વિભાગે 22 જુલાઇ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના ત્રીજા રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદ આફતરૂપ બન્યો છે. રાજકોટના ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. છેલ્લા 2 દિવસથી ઉપલેટા પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભાયાવદરના કાળીયાવાસ વિસ્તારમાં રૂપાવટી નદીના પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલી વધી છે. અહીં કાળીયાવાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભાયાવદરમાં કાળિયાવાસ અને દરબારગઢમાં ઘૂંટણસમા પાણી ભરાતા જનજીવન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
રાજકોટના જેતપુરમાં પણ ધોધમાર વરસાદે તારાજી સર્જી છે. ધોધમાર વરસાદના કારણે જેતપુર શહેરના અનેક રસ્તા જળમગ્ન બન્યા છે તો ગામડામાં પણ ભારે વરસાદ ચિંતાનું કારણ બન્યો છે. જેતપુરના આસપાસના ગામડામાં પણ ભારે વરસાદના કારણે ખેતરો જળમગ્ન બન્યા છે. ખેતરો પાણી માં ગરકાવ થઇ જતા કપાસ, મગફળીના પાકને નુકસાની ભીતિ સેવાઇ રહી છે. અતિ વરસાદના કારણે પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પોરબંદર તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. પોરબંદરના ગામડામાં ઓળદર, રતનપર, ગોસ, ટુકડા, નવીબંદર, ચીકાશા ગામમાં વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. ખેડૂતો પાકના નુકસાન થવાની આશંકાએ ચિંતિત છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial