Hit And Run: લિંબડી-રાજકોટ હાઇવે પર હિટ એન્ડ રન, પગપાળા જતાં વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી, મોત
રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, ગઇકાલે અમદાવાદ અને મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક-એક વ્યક્તિનું મોત થયુ હતુ
Hit And Run Accident News: રાજ્યમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, ગઇકાલે અમદાવાદ અને મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક-એક વ્યક્તિનું મોત થયુ હતુ, તો વળી, આજે રાજકોટ હાઇવે પર વધુ એક રાહદારીનું મોત થયુ હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે લિંબડી-રાજકોટ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના ઘટી છે, અહીં પગપાળા જતા લોકોને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો છે. અજાણ્યા વાહનની ટક્કર વાગતા પગપાળા જઇ રહેલો એક વ્યક્તિ મોતને ભેટ્યો છે. આ હિટ એન્ડ રનની ઘટના હાઇવે પર બોડીયા અને લિંબડી વચ્ચે સર્જાઇ હતી. વહેલાલથી દ્વારકા પગપાળા ચાલીને જતા સંઘને આ અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યો વાહન ચાલક આ સંઘના જ એક વ્યક્તિને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો, બાદમાં હિટ એન્ડ રન અક્સ્માતમાં ભોગ બનનાર વ્યક્તિના મૃતદેહને લિંબડીની સરકારી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હિટ એન્ડ રનની આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી દીધી છે.
અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રન, બેફામ થારે બાઇક ચાલકને હવામાં ફંગોળ્યો, સારવાર દરમિયાન મોત
થોડાક સમય પહેલા અમદાવાદમાં બનેલી ચકચારી ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસની ઘટના બાદ વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના સિન્ધૂ ભવન રૉડ પરથી સામે આવી છે. ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલ બાદ વધુ એક તથ્ય પટેલ આવ્યો છે. સિન્ધૂ ભવન રૉડ પર આજે એક થાર કાર લઇને નીકળેલો વધુ એક નબીરો પૂરપાટ ગતિએ હંકારી રહ્યો હતો, જેમાં એક બાઇક સવારને તેને કચડી નાંખ્યો હતો, આ ઘટનાને લઇને હવે ફરી એકવાર લોકોમાં રોષ ફેલાયો છે.
આજે અમદાવાદમાં વધુ એક નબીરો તથ્ય પટેલ સાબિત થયો છે. અમદાવાદના સિંધુભવન રૉડ પર એક નબીરાએ એકનો જીવ લીધો છે. આ હિટ એન્ડ રનની ઘટનામાં થાર કારથી ટક્કર મારીને એક બાઈક સવારને કચડીને નબીરો ફરાર થઇ ગયો હતો. આ થાર કારે જયદીપ સોલંકીનો જીવ લીધો હતો. ખાસ વાત છે કે, બોપલ ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન જયદીપ સોલંકીનું મોત થઇ ગયુ હતુ. ઘટનામાં GJ-27-ED-0106 રજિસ્ટ્રેશનવાળી કાર જપ્ત કરાઇ છે. કાર ચાલક ફરાર ઘટના બાદ ફરાર થઇ ગયો હતો જોકે, પોલીસે થાર કારને જપ્ત કરી લીધી હતી.
સિંધુભવન રૉડ રોજ રાત્રે અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું છે, અને પોલીસ મૌન રહી રહી છે. અગાઉ પણ સિંધુભવન રૉડ પર અનેક તમાશા થયા છે. સીસીટીવીના નેટવર્કની પોલીસની વાર્તાઓ ફરી પોકળ સાબિત થઇ રહી છે, પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવાઓ પણ પોકળ સાબિત થઈ રહ્યા છે. ઓવરસ્પીડ ડ્રાઈવ એસજી હાઈવે, એસપી રિંગ રૉડ પરનું દૂષણ બની રહ્યું છે. સિંધુભવન રૉડ પર નશેડીઓની ગેરકાયદે પ્રવૃતિ વારંવાર સામે આવી રહી છે. થાર ચાલક નબીરો પકડાય તો પણ તેનો આલ્કોહોલ ટેસ્ટ નેગેટિવ આવી શકે છે. જોકે, આ સમગ્ર હિટ એન્ડ રનની ઘટના અંગે અમદાવાદ પોલીસ કમિશ્નરે જવાબ આપવો જોઇએ.