રાજકોટઃ હિંદુવાદી સંગઠનો-માલધારીઓની રેલીમાં ક્યા PI ગન કાઢીને દેખાવકારો પાછળ દોડ્યા ? લાલ દંડાથી યુવકોને ફટકાર્યા, જુઓ વીડિયો
પોલીસે રેલી પર લાઠીચાર્જ કરતાં કેટલાય યુવકો ગબડી પડ્યા હતા જ્યારે સંખ્યાબંધ યુવકો બાઈક મૂકી મૂકીને ભાગ્યા હતા.
રાજકોટઃ ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં સોમવારે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો સાથે રેલીઓ યોજાઈ હતી. રાજકોટમાં પણ હિન્દુ સંગઠનો અને માલધારી સમાજની રેલી નિકળી હતી. આ રેલીને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
પોલીસે રેલી પર લાઠીચાર્જ કરતાં કેટલાય યુવકો ગબડી પડ્યા હતા જ્યારે સંખ્યાબંધ યુવકો બાઈક મૂકી મૂકીને ભાગ્યા હતા. કિશન ભરવાડની હત્યાના વિરોધ કરવા એકઠા થયેલા 2000 હજાર યુવાનોના ટોળા વિખેરવા માટે પોલીસે દંડાવાળી કરી હતી અને યુવકોને દોડાવી દોડાવીને માર્યા હતા. દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી.
આ રેલી દરમિયાન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ ગઢવીએ ગન કાઢી હતી અને દેખાવકારોની પાછળ દોટ મૂકી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, પી.આઈ. ગઢવી એક હાથમાં ગન અને બીજા હાથમાં લાલ રંગનો દંડો લઈને દેખાવકારો પાછળ દોડી રહ્યા છે. પી.આઈ. ગઢવીની દેખાવકારો સાથે ઝપાઝપી પણ થઈ હતી. પી.આઈ. ગઢવીએ એક યુવકને હાથથી ઝાપટ મારી હતી. પી. આઈ. ગઢવીએ હાથમાં ગન અને બીજા હાથમાં દંડો લઈને યુવકોને દંડાથી ફટકાર્યા હતા. પોલીસને આ રીતે રિવોલ્વર સાથે દોડતા જોઈને દેખાવકારોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ દેખાવો દરમિયાન ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
રાજકોટમાં રેસકોર્સ રોડ થઈને કલેક્ટર કચેરી તરફ જતા રસ્તા પર માલધારી સમાજ તથા હિંદુવાદી સંગઠનોએ વિશાળ રેલી કાઢી હતી. માલધારી સમાજની સાથે હિન્દુ સંગઠનો ઉપરાંત સ્થાનિક યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. 'કિશનના હત્યારાઓને ફાંસી આપો... ફાંસી આપો..., હિન્દુ સંસ્કૃતિ ઝિંદાબાદ'ના નારા સાથે રસ્તા પર લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ તમામ યુવાનો-સમાજના આગેવાનોએ કોઈપણ ભોગે કિશનના હત્યારાઓને સજા થવી જ જોઈએ એવી માગણી ઉગ્ર સ્વરે કરી હતી. યુવકોએ રેલીમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો કે,
આ રીતે હિન્દુ સંસ્કૃતિ પરના હુમલાને આ દેશમાં ચલાવી લેવાશે નહીં.