'પ્રેમનું પાનેતર': લાખો લોકોની હાજરીમાં જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન
જયેશ રાદડિયાના યજમાનપદે 2 લાખથી વધુ લોકોની હાજરીમાં ઇતિહાસ રચાયો, સમાજના દાતાઓનો આભાર માન્યો, વિજય રૂપાણી અને સી.આર. પાટીલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

Jamkandorana group wedding: રાજકોટના જામકંડોરણામાં લેઉવા પટેલ સમાજ દ્વારા 'પ્રેમનું પાનેતર' નામનો એક ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 511 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ ઐતિહાસિક કાર્યક્રમમાં 2 લાખથી વધુ લોકો સાક્ષી બન્યા હતા.
ધારાસભ્ય જયેશ રાદડિયાએ કાર્યક્રમની શરૂઆત મુખ્ય દાતાઓનો આભાર વ્યક્ત કરીને કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જામકંડોરણાની ભૂમિ પર લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના લગ્નનો ઇતિહાસ રચાયો છે. તેમણે સમાજના દાતાશ્રીઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે સમાજે તેમની માંગણી કરતાં પણ વધારે દાન આપ્યું છે. રાજકીય વ્યક્તિ હોવા છતાં, સમાજે તેમના પર વિશ્વાસ મૂકીને ખૂબ જ સહયોગ આપ્યો છે. જયેશ રાદડિયાએ હંમેશા લેઉવા પટેલ સમાજની ગરીબ દીકરીઓના સારી રીતે લગ્ન થાય તેવા પ્રયત્નો કર્યા છે અને કરતા રહેશે.
તેમણે સમાજને સંદેશ આપ્યો કે સમાજ ગરીબ નથી, પરંતુ જો કામ કરવામાં આવે તો પૂરી તાકાતથી કરવું જોઈએ. તેઓ નબળા કામોમાં વિશ્વાસ ધરાવતા નથી. જામકંડોરણાની ભૂમિ પર તેમની તાકાત તેમના સ્વયંસેવકો છે. સમૂહ લગ્ન પૂરા થયા બાદ તેઓ ફરીથી રાજકારણમાં સક્રિય થશે તેમ પણ જણાવ્યું હતું.
જયેશ રાદડિયાએ સમાજના કેટલાક લોકોની ટીકાઓનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમુક લોકો સમાજના નામે ફેસબુક પર ખોટી વાતો ફેલાવે છે અને તેમના વિશે ખરાબ કોમેન્ટ્સ લખે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમને લેઉવા પટેલ સમાજના નેતા બનવાની કોઈ ઈચ્છા નથી. આટલી મોટી સંખ્યામાં લોકો સમૂહ લગ્નમાં જોડાય તે જોઈને અમુક લોકોના પેટમાં દુખે છે તેવો કટાક્ષ પણ કર્યો હતો.
તેમણે સમાજ સેવાના કાર્યોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જામકંડોરણામાં હજારો દીકરીઓ અભ્યાસ કરી રહી છે અને સમાજે જૂનાગઢ, નાથદ્વારા, દ્વારકા સહિત અનેક સ્થળોએ સમાજની વાડીઓ બનાવી છે. રાજકોટમાં 2500 દીકરીઓ અભ્યાસ કરે છે, જે સમાજ સેવાનું જ ઉદાહરણ છે. વિઠ્ઠલ રાદડિયાએ પાંચ સમૂહ લગ્ન કરાવ્યા હતા અને આજે તેમના દ્વારા 511 સમૂહ લગ્ન કરાવવામાં આવ્યા છે, જે સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ટીકાકારોને ખુલ્લી ચેલેન્જ આપી કે જો તેમનામાં તાકાત હોય તો તેઓ મેદાનમાં એકલા આવે, સમાજને વચ્ચે લાવવાની જરૂર નથી. કોરોના સમયમાં તેમણે કોવિડ સેન્ટર ઊભું કરીને દસ હજાર દર્દીઓની સેવા કરી હતી, જે પણ એક મોટી સમાજ સેવા હતી. તેમણે જણાવ્યું કે રાજનીતિનો સમય આવશે ત્યારે રાજનીતિ થશે, પરંતુ સમાજની વાત આવશે ત્યારે સમાજ જ સર્વોપરી રહેશે.
આગામી બે વર્ષમાં 700 લગ્ન કરાવવાનું અને હરદ્વાર અને મથુરામાં લેઉવા પટેલ સમાજના નિર્માણ કાર્યો પૂરા કરવાનું તેમનું લક્ષ્ય છે. હાલમાં પાંચ હજાર દીકરીઓ શિક્ષણ લઈ રહી છે અને હવેથી ધોરણ પાંચથી બાર સુધીની જે દીકરીઓના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોય અને ખેતી કરતા હોય તેમને વિના મૂલ્યે અભ્યાસમાં મદદ કરવામાં આવશે.
આ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ રાદડિયા પરિવારના કાર્યોની પ્રશંસા કરી હતી અને સી.આર. પાટીલે આવા સમૂહ લગ્ન ક્યારેય ન જોયા હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અને મંત્રી રાઘવજી પટેલ પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ભવ્ય અને સફળ રહ્યો હતો.
આ પણ વાંચો...
જો દિલ્હીમાં AAPની સરકાર બનશે તો ડેપ્યુટી સીએમ કોણ બનશે? અરવિંદ કેજરીવાલે આ નેતાનું નામ લીધું
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
