રાજકોટમાં નવી બનેલ જનાના હોસ્પિટલમાં બાંધકામમાં ભૂલ, રિફ્યૂઝ એરિયા ન મુકતા ફાયર NOC ન અપાઈ
આ હોસ્પટિલમાં મોડ્યુલર ૮ ઓપરેશન થીએટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટીઝ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી હશે.
Janana Hospital in Rajkot: રાજકોટમાં નવી નિર્માણ પામી રહેલી જનાના હોસ્પિટલના બાંધકામમાં મોટી ભૂલ પ્રકાશમાં આવી છે. કોન્ટ્રાકટર અને ઉચ્ચ અધિકારીની ભૂલ સામે આવી છે. હોસ્પિટલમાં રિફયુઝ એરિયા મુકવાનું ભૂલતા તંત્ર ધંધે લાગ્યું છે.
હોસ્પિટલના લોકાર્પણ પહેલા રિફયુઝ એરિયાની ભૂલ સામે આવી છે. હોસ્પિટલના લે-આઉટ, નકશા અને પ્લાનમાં ભૂલ રહી જતા સરકારને હવે વધારાનો ખર્ચો કરવો પડશે. હોસ્પિટલમાં રિફયુઝ એરિયા ન મુકાતા ફાયર NOC આપવામાં ન આવી. જેનાકારણે હવે હોસ્પિટલના 4 માળમાં ફરીથી ભાંગતોડ કરી રિ્ફ્યુઝ એરિયા મુકાશે. રિફયુઝ એરિયામાં લોખંડની પ્લેટ મુકવામાં આવશે. જેમાં ₹35થી 40 લાખ નો ખર્ચો વધશે. કોન્ટ્રાક્ટર અને તંત્રના ઉચ્ચ અધિકારીની ભૂલના કારણે સરકારનું થશે લાખો રૂપિયાનું નુકસાન.
નોંધનીય છે કે, આ હોસ્પટિલમાં મોડ્યુલર ૮ ઓપરેશન થીએટર, સ્ત્રી રોગની સારવાર, સુપર સ્પેશિયાલિટીઝ ડોક્ટર્સની ટીમ સાથે ઝીરો રેફરલ પોલિસી હશે. આ સાથે અલગથી વીજ લાઈન, પાવર બેકઅપ માટે જનરેટર, ઓક્સીજન લાઈન, દર્દીના સગા માટે કેન્ટીનની વ્યવસ્થા વગેરે સુવિધા પણ ઉભી કરવામાં આવી છે.
આ હોસ્પિટલમાં નવજાત શિશુ અને માતાની સારવાર માટે એક જ જગ્યાએ અલાયદો વોર્ડ, બાળકો માટે વેન્ટિલેટર સાથે ૨૫ બેડનું આઈ.સી.યુ., મોટા બાળકો માટે ૪૪ બેડનું હાઈ ડીપેન્ડન્સી યુનિટ, પોર્ટેબલ સોનોગ્રાફી, ઇકો કાર્ડિયોગ્રાફી મશીન જેવી સુવિધાઓ, શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ બાળકોની સારવાર માટેનું ડી.ઈ.આઈ. સેન્ટર, કુપોષિત બાળકોના વજન વધારવા માટેનું ૨૫ બેડનું એન.આર. સેન્ટર, હિમોફેલિયા અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી ચડાવવા માટેનો અલગ વિભાગ ઉપરાંત પીડિયાટ્રિક ન્યુરો સર્જીકલ અને સર્જીકલ વિભાગ, બાળકો રમત રમી શકે તે માટે પ્લે એરિયા, તેમજ એન.આઈ.સી.યુ. ટ્રેનિંગ માટે ૧૦૦ બેઠકનું ટ્રેનિંગ સેન્ટર પણ આ હોસ્પિટલમાં હશે.
ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનું રજીસ્ટ્રેશન, વેઇટિંગ કમ નોલેજ શેરિંગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઈમરજન્સી સારવાર અર્થે 6 બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાંત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ માળે ઉભી કરવામાં આવી છે. આ સાથે અન્ય માળ પર 9 ઓપરેશન થીયેટર બ્લોક, 18 બેડનો આગમન કક્ષ (પ્રસુતિ રૂમ), રિસ્કી ડિલિવરી માટે ક્વોલિફાઈડ નર્સીઝ દ્વારા ચાર બેડનો મીડ વાઈફ લેડ કેર યુનિટ, મમતા ક્લિનિક ઓ.પી.ડી.સહિત ઓલ ઈન વન સ્ટોપ સ્ટેશન, ગાયનેક ઓ.પી.ડી. ની સુવિધા છે.