Loksabha Election 2024: રજવાડાઓ વિશે નિવેદન આપી પરશોત્તમ રુપાલા વિવાદમાં, ક્ષત્રિય સમાજમાં ભારે રોષ
રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે.
રાજકોટ: રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલાના એક નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલઘુમ થયો છે. અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં રજવાડાઓ વિશે નિવેદન આપી પરશોત્તમ રુપાલા વિવાદમાં આવ્યા છે.
પરશોત્તમ રુપાલાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, અંગ્રેજો સામે મહારાજાઓ નમ્યા, રોટી - બેટીના વ્યવહાર કર્યા. રૂખી સમાજ ઝૂક્યો નહોતો, હજાર વર્ષે રામ તેમના ભરોસે આવ્યા છે.
પરશોત્તમ રૂપાલાના આ નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. પરશોત્તમ રૂપાલા માફી માગે તેવી ક્ષત્રિય સમાજના આગેવાનો માંગ કરી રહ્યા છે. રાજકોટ કૉંગ્રેસના નેતા મહેશ રાજપૂતે પણ વીડિયો બનાવી પરશોત્તમ રુપાલા તાત્કાલિક રાજપૂત સમાજની માફી માંગે તેવી વાત કરી છે. જો મીડિયા સામે પરશોત્તમ રુપાલા દ્વારા માફી નહી માંગવામાં આવે તો નહી તો રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે.
ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસ પોત પોતાની બેઠકો પર જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. ગઇકાલે ભાજપમાં એક પછી એક એમ બે ટ્વીસ્ટે નવી રાજનીતિ ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. ગઇકાલે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ પછી નવી ચર્ચાઓ શરૂ થઇ હતી કે આ બન્ને બેઠકો પર બીજા કોણ કોણ દાવેદારો છે અને કોણે મળી શકે છે ટિકીટ. ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર પણ આજે ઉમેદવારો જાહેર થઇ શકે છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે ભાજપના નવા ઉમેદવારોની આજે યાદી જાહેર થઈ શકે છે.
• ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન
- પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.
- બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.
- ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.
- ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.
- પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.
- છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.
- સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.
- પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.