ખોડલધામમાં મળી પાટીદાર અગ્રણીઓની બેઠક, 2022ની વિધાનસભા ચૂંટણીને લઈ શું થઈ ચર્ચા?
સામસામે પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડવા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, અમે પાટીદાર ઉમેદવારો સામસામે ચૂંટણી ન લડે તેવો પ્રયાસ કરીશું. જો સામસામે લડશે, તો સક્ષમ ઉમેદવાર જીતે તે માટે સમજાવીશું. પત્રકાર પરીષદ પછી તમામ પાટીદાર અગ્રણીઓએ ખોડિયાર માતાજીના દર્શન કર્યા હતા તેમજ બધાએ સાથે મળીને ધ્વજારોહણ કર્યું હતું.
રાજકોટઃ આજે ખોડલધામ - કાગવડ ખાતે લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠક પછી પાટીદાર અગ્રણીઓએ પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં બેઠકમાં થયેલી ચર્ચા મુદ્દે વાત કરવામાં આવી હતી. નરેશ પટેલે જણાવ્યું હતું કે, હવેથી એવું લખાશે પાટીદારોની મિટિંગ. લેઉવા પટેલ અને કડવા પટેલ એવું નહીં લખવામાં આવે. અલગ અલગ પાંચ સંસ્થાઓ હાજર છે. તેનું ફેડરેશન બનાવવામાં આવશે. તેમજ ફેડરેશનને એક નામ આપવામાં આવશે. 2022 ચૂંટણીઓ આવી રહી છે. ચોક્કસ રાજકીય ચર્ચા થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, દરેક પાર્ટીના પાટીદારોને ભાઈઓ અને બહેનોને વર્ચસ્વ મળે તેવા અમારા પ્રયાસો રહેશે. કોઈ એક જ પાર્ટી મુખ્યમંત્રી પદ માટે પાટીદાર ઉમેદવારના નામની જાહેરાત કરશે, તો શું કરશે, તેવું પૂછાતા તેમણે જે તે સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.
સામસામે પાટીદાર ઉમેદવાર ચૂંટણી લડવા મુદ્દે તેમણે જણાવ્યું હતું કે, અમે પાટીદાર ઉમેદવારો સામસામે ચૂંટણી ન લડે તેવો પ્રયાસ કરીશું. જો સામસામે લડશે, તો સક્ષમ ઉમેદવાર જીતે તે માટે સમજાવીશું. પત્રકાર પરીષદ પછી તમામ પાટીદાર અગ્રણીઓએ ખોડિયાર માતાજીના દર્શન કર્યા હતા તેમજ બધાએ સાથે મળીને ધ્વજારોહણ કર્યું હતું.
આજે પાટીદાર અગ્રણીઓની બેઠક પહેલા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું હતું કે, અમે થોડા દિવસ પહેલા ઉંજા દર્શન કરવા માટે ગયા હતા. ઉંઝામાં જે મુદાઓની ચર્ચા કરી હતી તે મુદાઓની ચર્ચા કરીશું. રાજકીય રીતે પણ પાટીદારોને મહત્વ મળવું જોઈએ. કેશુભાઈ જેવો આગેવાન હજી સુધી નથી મળ્યો. આપ(આમ આદમી પાર્ટી) જે રીતે કામ કરે છે, તેને ગુજરાતમાં સ્થાન મળી શકે છે. કોણ ન ઈચ્છે પોતાના સમાજ મુખ્યમંત્રી ન હોય. પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ.
બેઠકમાં વિશ્વ ઉમિયાધામ ટ્રસ્ટ - અમદાવાદ, ઊંઝા, સિદસર, સમસ્ત પાટીદાર સમાજ - સુરત સહિતની રાજ્યની કડવા પાટીદાર સમાજની ૭ સંસ્થાઓના ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠકમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, ટ્રસ્ટી રમેશભાઈ પટેલ, સુરતના મથુરભાઇ સવાણી, લવજીભાઈ બાદશાહ, ઉમિયા ધામ મંદિરના જયરામ ભાઈ પટેલ, ઊંઝા મંદિરના દિલીપભાઈ નેતા, સોલા ઊમિયા ધામ કેમ્પસના વાસુદેવભાઈ પટેલ અને રમેશ દૂધવાળા, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના આર.પી પટેલ તેમજ સરદારધામના ગગજીભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા.
અગાઉ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ખોડલધામના ટ્રસ્ટીઓએ ઉમિયાધામ ઊંઝાની મુલાકાત લીધી હતી. 2022 વિધાનસભા ચૂંટણી પૂર્વે કડવા - લેઉવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચેની બેઠકને સૂચક માનવામાં આવી રહી છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં પાટીદારોની બેઠક પર સરકારની નજર છે. રાજ્યની ગુપ્તચર એજન્સીઓની બેઠક સક્રિય થઈ છે. બેઠકની તમામ ગતિવિધિઓ પર ગુપ્તચર એજન્સીની નજર છે. રાજ્યના સામાજિક અગ્રણી પાટીદારોની બેઠકને લઈને ગાંધીનગર સતર્ક થયું. નરેશ પટેલ ઉમિયાધામ ગયા બાદ ત્યાંના આગેવાનો ખોડલધામ આવતા હોવાનું કથન છે.