પૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ, અંતિમ યાત્રાનો રૂટ જાહેર
Air India Plane Crash: અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન અકસ્માતમાં 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં રાજ્યનાં પૂર્વ સીએમ વિજય રુપાણીનું પણ નિધન થયું છે.
Air India Plane Crash: અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાના પ્લેન અકસ્માતમાં 241 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં રાજ્યનાં પૂર્વ સીએમ વિજય રુપાણીનું પણ નિધન થયું છે. હાલમાં તમામ મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. ડીએનએ ટેસ્ટ થયા બાદ પૂર્વ સીએમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. મૃતદેહ સોંપ્યા બાદ જ અંતિમ સંસ્કારનો સમય નક્કી કરવામાં આવશે.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ
રાજકોટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલમાં ભાજપના નેતા કમલેશ મીરાણી, પુષ્કર પટેલ, મનીષ રાડીયા ત્યાં પહોંચ્યા છે. પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસ સ્થાનના દરવાજા ખોલવામાં આવ્યા છે. DNA રિપોર્ટ બાદ પાર્થિવદેહને રાજકોટ લાવવામાં આવશે. રાજકોટની ગ્રીન લેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટી સુધી પાર્થિવદેહને લાવવામાં આવશે. જેનો રૂટ ગ્રીનલેન્ડ ચોકડી, કુવાડવા રોડ, હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, રૈયા રોડ થઈ હનુમાન મઢીથી પ્રકાશ સોસાયટી નિવાસ સ્થાન સુધી પાર્થિવ દેહને લાવવામાં આવશે. પાર્થિવ દેહને નિવાસ સ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર રામનાથ સ્મશાન ખાતે કરવામાં આવશે.
અંતિમ યાત્રાનો રૂટ
નિવાસ સ્થાનથી નિર્મલા રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, યાજ્ઞિક રોડ, ડી.એચ.કોલેજ થી માલવીયા ચોક, કોર્પોરેશન ચોકથી ધર્મેન્દ્ર રોડ સાંગણવા ચોક થઈ ભુપેન્દ્ર રોડ થઈ રામનાથ પરા સ્મશાન ખાતે પહોંચશે.
વિજયભાઈ રૂપાણીની અંતિમ ક્રિયાને લઈને ભાજપના નેતાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પુષ્કર પટેલે જણાવ્યું કે, મૃતદેહ મળ્યા બાદ અંતિમ ક્રિયાનો સમય નક્કી કરવામાં આવશે. સૌરાષ્ટ્રભરમાંથી કાર્યકર્તાઓ અને નેતાઓ આવી પહોંચશે. પોલીસ વિભાગ વહીવટી તંત્ર સાથે સંકલન કરવામાં આવ્યું છે.
મનીષ રાડીયાએ કહ્યું કે, વિજયભાઈ રૂપાણીએ અમારા જેવા અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે. વિજયભાઈ રૂપાણીના નિવાસ્થાને અને બાજુના ગ્રાઉન્ડમાં વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
પુત્ર ઋુષભ ગાંધીનગર પહોંચ્યો
12 જૂનમાં સર્જાયેલા કારમી પ્લેન દુર્ઘટનામાં 265થી વધુ લોકોની જિંદગી હોમાઇ ગઇ, આ જ દુર્ઘટનામાં ગુજરાતે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ ગુમાવ્યાં છે. આજે તેમનો પુત્ર ઋુષભ અમેરિકાથી ગાંધીનગર તેમના નિવાસસ્થાન પહોંચ્યો છે. DNA રિપોર્ટ આવ્યા બાદ વિજય રૂપાણીના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવશે ત્યારબાદ તેમને રાજકોટ લઇ જવામાં આવશે અને રાજકોટમાં જ તેમની અંતિમ વિધિ થશે. રૂપાણી પરિવાર રાજકોટ માટે રવાના થશે. તેમનો ડીએનએનો રિપોર્ટ ક્યારે આવશે તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી નથી મળી.





















