Ahmedabad Plane Crash: પાયલટનો ATCને લાસ્ટ મેસેજ, થ્રસ્ટ નથી મળી રહ્યું, અમે હવે નહિ બચી શકીએ...
Ahmedabad Plane Crash:

Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં, વિમાનના પાઇલટ સુમિત સભરવાલ દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ પ્રકાશમાં આવ્યો છે. 4-5 સેકન્ડના સંદેશમાં, સુમિત કહી રહ્યો છે, 'મેડે, મેડે, મેડે... મને થ્રર્સ્ટ નથી મળી રહ્યો. પાવર ઓછો થઈ રહ્યો છે, વિમાન ઉંચુ નથી થઈ રહ્યું. અમે હવે બચીશું નહીં.'
દુર્ઘટના સમયે જે બીજે મેડિકલ કોલેજ પર વિમાન પડી ગયું હતું તે હોસ્ટેલ બિલ્ડિંગમાં 60 થી વધુ ડોકટરો, વિદ્યાર્થીઓ અને કેટલાક અન્ય લોકો હાજર હતા. તેમાંથી 34 લોકોના મોત થયા છે.
આનાથી મૃત્યુઆંક 275 (241 મુસાફરો અને 34 મેડિકલ કોલેજના લોકો) પર પહોંચી ગયો છે. ફ્લાઇટમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા. આમાંથી એક મુસાફર બચી ગયો.
અત્યાર સુધીના અપડેટ્સ
સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 270 થી વધુ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 220 લોકોના DNA સેમ્પલિંગ કરવામાં આવ્યું છે. 7 મૃતદેહોની ઓળખ થઇ ચૂકી છે.
પીએમ મોદી શુક્રવારે સવારે અમદાવાદ પહોંચ્યા. સૌ પ્રથમ તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ પછી તેઓ સિવિલ હોસ્પિટલ ગયા, જ્યાં તેમણે લગભગ 10 મિનિટ સુધી પીડિતોને મળ્યા.
વિમાન અકસ્માતની તપાસ 8 એજન્સીઓ કરી રહી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી, ગુજરાત પોલીસ, એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB), નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA), યુનાઇટેડ કિંગડમની એર અકસ્માત તપાસ શાખા (UK-AAIB), યુનાઇટેડ સ્ટેટ્સનું રાષ્ટ્રીય પરિવહન સલામતી બોર્ડ (NTSB), ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) સામેલ છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બહુ-શાખાકીય સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિ આવા અકસ્માતોને રોકવા અને નિયંત્રિત કરવા માટે જાહેર કરાયેલા હાલના માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અને માર્ગદર્શિકાઓની સમીક્ષા કરશે, અને ભવિષ્યમાં આવી ઘટનાઓનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શિકા સૂચવશે.
5૦% મુસાફરોના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા, ડીએનએ માટે મોટો પડકાર
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ના ડિરેક્ટર પ્રો. ડૉ. SO જુનારે જણાવ્યું હતું કે DNA પરીક્ષણની જવાબદારી NFSU અને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની છે. બંને સંસ્થાઓ એકસાથે DNA પરીક્ષણ કરી રહી છે. આવી સ્થિતિમાં, વધુ DNA પરીક્ષણો જરૂરી છે.
આવી સ્થિતિમાં, એક જ શરીર માટે એક કરતાં વધુ પરિવારના સભ્યો DNA નમૂના આપે છે. શરીરના બાકીના કોઈપણ ભાગ, જેમ કે સ્નાયુઓ, દાંત, હાડકાં અથવા અસ્થિ મજ્જાનો નમૂનો લઈને, આપણે એક કલાકમાં DNA પરીક્ષણ કરી શકીએ છીએ. ટુકડાઓમાં તૂટેલા મૃતદેહો માટે પરીક્ષણમાં વધુ સમય લાગી શકે છે.
ડૉ. જુનારે જણાવ્યું હતું કે કુલ 250 મૃતદેહોના નમૂના આવી ગયા છે. પરિવારના સભ્યોના 138 નમૂના NFSU પહોંચ્યા છે અને 138 નમૂના FSL પહોંચ્યા છે. વિદેશી નાગરિકો, અન્ય રાજ્યોના લોકો, પરિવારના સભ્યોના કોઈ નમૂના લેવામાં આવ્યા નથી. 50 ટકા મુસાફરોના મૃતદેહ ખરાબ રીતે બળી ગયા છે. તેમનું DNA પરીક્ષણ એક મોટો પડકાર છે. દાંત, હાડકાં અને અન્ય અવયવોની મદદથી ડીએનએ પરીક્ષણ કરવામાં આવશે.





















