Rajkot: રાજકોટમાં ITનું સર્ચ ઓપરેશન યથાવત , 250 કરોડના મળ્યા બેનામી વ્યવહારો
Rajkot:આઇટીની તપાસમાં 250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે
Rajkot: રાજકોટમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન યથાવત છે. લાડાણી એસોસીએટ સહિત અનેક બિલ્ડરોને ત્યાં તપાસ ચાલી રહી છે. આઇટીની તપાસમાં 250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા છે. દસ્તાવેજોની ચકાસણી બાદ આંકડામાં વધારો થાય તેવી સંભાવના છે. ગેલેક્સી ગ્રુપના મનીષ જાગાણીની ઓફિસ સીલ કરાઇ હતી.
લાડાણી એસોસીએટ, દાનુભા જાડેજા,અર્જુનસિંહ જાડેજા,મહિપતસિંહ ચુડાસમા,મનીષ જાગાનીને ત્યાંથી કરચોરી ઝડપાઇ હતી. રોકડ અને સોનાના દાગીના પણ જપ્ત કરાયા હતા. શહેરોમાં અનેક જગ્યાએ બિલ્ડરોના પાંચથી છ એકરના પ્લોટ હોવાનો પણ ખુલાસો થયો છે.
રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ અને લાડાણી એસોસિએટ્સના દિલીપભાઈ લાડાણી અને વિનેશ પટેલના ઓરબીટ ગ્રુપ સાથે સંકળાયેલી 40 સહયોગી પેઢીઓમાં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન 250 કરોડના બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે.
આવકવેરા વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને સંભવત બે દિવસ ચાલે તેવી શક્યતા છે. ત્યારબાદ કરચોરીની સત્તાવાર વિગતો બહાર આવે તેવી શક્યતા છે. આ બંને ગ્રુપ સાથે સંકળાયેલી સહયોગી પેઢી વર્ધમાન, સ્વસ્તિક, ગેલેક્સી, દેવિકા ફાઈનાન્સ તથા રાધિકા કોર્પોરેશનના ડાયરેકટરોના ઓફિસ અને રહેઠાણમાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી. જુદી-જુદી 35 થી 40 જગ્યાએ કરવામાં આવેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ જાણવા મળી હતી.
જોકે હજુ જવેલરી, રોકડ રકમ અને બેન્ક લોકરો બાબતે તપાસની સતાવાર વિગતો જાહેર થઈ નથી. બિલ્ડર ગ્રુપ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં આવેલી જમીનની ખરીદી અંગે પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું હતું ? તેની તપાસ કરવામાં આવ્યા બાદ આ પ્રોજેકટમાં રોકાણ કરનાર આસામીઓ અને પ્રોપર્ટી બુક કરાવનાર ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી હતી.તો લાડાણી એસોસીયટસને ત્યાંથી જે લેપટોપ મળી આવ્યું છે. તેમાં ભાગીદારો, રોકાણકારો અને કેટલા ગ્રાહકોનાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે.
રાજકોટમાં હવે સહકારી મંડળીઓ પર તવાઇ શરૂ કરવામાં આવી છે. હાલમાં જ રાજકોટની 25 સહિત જિલ્લાની 36 સહકારી મંડળી બંધ કરવા નૉટિસ ફટકારવામાં આવી છે. સરકારી તંત્રએ હવે જિલ્લામાં માત્ર કાગળ પર ચાલતી અને હિસાબ રજૂ નહીં કરનારી તમામ મંડળીઓ સામે લાલ આંખ કરી છે. આ નૉટિસનો 30 દિવસમાં જવાબ નહી આપનારી મંડળીઓના રજિસ્ટ્રેશન બંધ કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. ખાસ વાત છે કે, આ તમામ મંડળીઓએ છેલ્લા પાંચથી નવ વર્ષ સુધીનો હિસાબ રજૂ કર્યો નથી, જેના કારણે જિલ્લા રજિસ્ટર વિશાલ કપૂરીયાએ આ તમામને નૉટિસો ફટકારી છે. રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.