સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં મ્યુકરમાઈકોસિસે વર્તાવ્યો કહેર, સર્જરી માટે 400 લોકોનું વેઈટિંગ
આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે. રાજ્યભરમાં મ્યુકરમાયકોસિસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.
રાજકોટઃ ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ ૧૮૯૭ અન્યવયે બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઈકોસિસ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મ્યુકરમાયકોસિસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી ૧૧ તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે.
રાજ્ય સરકારે બધી સિવિલ હોસ્પિટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે. આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકર માઈકોસિસના 600થી વધુ દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 400 દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં છે. હાલ પાંચ ઓપરેશન થિયેટર કાર્યરત છે, જ્યારે વધુ બે ઓપરેશન થિયેટર ઉમેરવામાં આવશે. ડેન્ટલના બે ઓપરેશન થિયેટર ઉપયોગમાં લેવામાં આવશે.
આ મ્યુકરમાયકોસિસના રોગચાળા સંદર્ભમાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢ્યા છે તેની વિગતો આ મુજબ છે.
- રાજ્યભરમાં મ્યુકરમાયકોસિસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે જયારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.
- વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫ થી ૬૦ વર્ષની ઉંમરના છે જયારે ૨૪.૯% દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.
- આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણી એ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જયારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે.
- આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સીજનની જરૂર પડી હતી. જયારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.
- એટલું જ નહીં, નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૫૯.૦૦% દર્દીઓને ડાયાબીટીસ, ૨૨.૧% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જયારે ૧૫.૨% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે.
- ૪૯.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી જયારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.