(Source: ECI/ABP News/ABP Majha)
India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડેને લઇને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફિવર, ક્રિકેટરોને કાઠિયાવાડી ભોજન પીરસાશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે મેચ 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે
ઇન્દોરમાં રમાયેલી ત્રણ વન-ડે મેચની બીજી મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું હતું. આ સાથે ટીમ ઇન્ડિયાએ સીરિઝમાં 2-0ની અજેય સરસાઇ હાંસલ કરી હતી. હવે સીરિઝની ત્રીજી વન-ડે મેચ રાજકોટમા રમાશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી વન-ડે મેચ 27 સપ્ટેમ્બરના રોજ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાશે. વન-ડે મેચને લઈને સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવર છવાયો છે. બુધવારના ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ પહેલાની છેલ્લી વન-ડે રાજકોટમાં રમાશે.
આ મેચને લઈને બોર્ડની સાથે સ્થાનિક પ્રશાસને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઇન્ડિ રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં રોકાણ કરશે. અહીંયા વિરાટ કોહલી, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા જેવા સ્ટાર્સને ખાસ પ્રેસિડનેન્શીયલ સ્યુટ રૂમ અપાશે. ખેલાડીઓને કાઠિયાવાડી હેરિટેજ થીમવાળા રૂમ અપાશે. તો કાઠિયાવાડી ભોજનની સાથોસાથ નાસ્તામાં પણ ખમણ, ઢોકળા, ફાફડા, વણેલા ગાંઠિયા અને જલેબી પીરસવામાં આવશે.
આ વખતે 17 સપ્ટેમ્બરથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ટિકિટના દર 1500થી લઇ 10,000 સુધીના છે. રાજકોટ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અગાઉ 17 જાન્યુઆરી 2020ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ હતી. જેમાં ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 340 રન બનાવ્યા હતા. જેની સામે 49.1 ઓવરમાં 304 રન બનાવી ઓસ્ટ્રેલિયાની ટીમ ઓલઆઉટ થઇ ગઇ હતી.
નોંધનીય છે કે ઇન્દોરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું છે. પ્રથમ રમત રમીને ભારતે શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની શાનદાર ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. આ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 9 ઓવર પછી વરસાદ આવ્યો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો રિવાઇઝ્ડ ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 217 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી બોલિંગમાં અશ્વિન અને જાડેજાએ કમાલ કરી હતી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.કાંગારૂ ટીમને મેચ જીતીને શ્રેણીમાં બરોબરી કરવા માટે 400 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ મેચની વચ્ચે વરસાદે વિક્ષેપ પાડ્યો હતો. જેના કારણે ડકવર્થ લુઈસ નિયમ મુજબ ઓસ્ટ્રેલિયાને 33 ઓવરમાં 317 રનનો ટાર્ગેટ મળ્યો હતો.