Gujarat Election: રાજકોટમાં કોંગ્રેસને લાગ્યો ઝટકો, આ જૂના જોગીએ કેસરીયો ધારણ કર્યો
ગુજરાત વિધાનસભા ચૂંટણી: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષપલાટી મોસમ યથાવત છે. એક બાદ એક નેતા નારાજ થઈને પાર્ટી છોડી રહ્યા છે. હવે આ કડીમાં રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં પક્ષપલાટી મોસમ યથાવત છે. એક બાદ એક નેતા નારાજ થઈને પાર્ટી છોડી રહ્યા છે. હવે આ કડીમાં રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા છે. દિનેશ ચોવટીયા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી સાથે ગત 2017માં કોંગ્રેસમાંથી આ દક્ષિણ બેઠકના ઉમેદવાર હતા. 2017ની ચૂંટણીમાં ગોવિંદ પટેલે દિનેશ ચોવટિયાને પરાજ્ય આપ્યો હતો. ગોવિંદભાઈ પટેલ સામે કોંગ્રેસમાંથી ચુંટણી લડેલા દિનેશ ચોવટીયા આ ચૂંટણીમાં ભાજપનો પ્રચાર કરશે. એ વાત તો નિશ્ચિત છે કે, રાજકારણમાં ક્યારે સાથે અને કોણ ક્યારે સામે તે નક્કી ન કરી શકાય. રાજકોટના લોધાવડ ચોકમાં દિનેશ ચોવટીયાએ રમેશભાઈ ટીલાળાનો પ્રચાર કર્યો હતો. આટલા વર્ષ કોંગ્રેસમાં રહ્યા બાદ દિનેશ ચોવટીયાએ કહ્યું કે, કોંગ્રેસ દિશા વિહીન થઈ ગઈ છે.
વાઘોડિયા વિધાનસભામાં ભાજપમાં મોટું ભંગાણ
વડોદરાની સૌથી ચર્ચાસ્પદ ગણાતી વાઘોડિયા વિધાનસભામાં આજે ભાજપમાં ભંગાણ સર્જાયું છે. નવાઈની વાત તો એ છે કે ભાજપના 300 કાર્યકરોએ રાજીનામું આપી અપક્ષના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને સમર્થન આપ્યું છે.
ચૂંટણી આવે કે ન આવે પરંતુ વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક કાયમ ચર્ચામાં રહેતી હોય છે. જેમાં આ વખતે ભાજપે 6 ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેને લઈને અહીં ત્રીપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં મધુ શ્રીવાસ્તવ સામે 10 હજાર મતથી હારેલા ભાજપના પૂર્વ નેતા અને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા હાલ પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે અને તેઓએ આજે ભાજપમાં ભંગાણ સર્જી વાઘોડિયા વિધાનસભાના 300 જેટલા હોદ્દેદારો અને કાર્યકરોને પોતાના સમર્થનમાં કર્યા છે. કારણકે આ બેઠક પર ક્ષત્રિય મતદાર વધુ હોવા છતાં ક્ષત્રિયને ટિકિટ ભાજપે આપી નથી.
એટલે હવે અહીં ભાજપના અશ્વિન પટેલ, કોંગ્રેસના સત્યજીતસિંહ ગાયકવાડને છોડીએ તો અપક્ષના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અપક્ષથી જ ચૂંટણી લડતા મધુ શ્રીવાસ્તવ એમ બે બાહુબલીઓ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.
સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. સુધા નાહટા ભાજપમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં સત્તાવાર જોડાયા છે. તેમણે મજુરા વિધાનસભામાં આપના કન્વીનર બની પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ભાજપમાં આંતરિક જૂથબંધી અને વ્યક્તિ પૂજાથી વ્યથિત થઈને રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
કોણ છે સુધા નહટા
સુરત મજુરા વિધાનસભાના મૂળ રાજસ્થાની પરિવારના સુધા નહટા ભારતીય જનતા પાર્ટીમાં વર્ષ 2012 થી જોડાયા હતા. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ગટર સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા હતા. 2012થી ભાજપમાં સક્રિય રહીને તેમણે અલગ અલગ હોદ્દા ઉપર કામ કર્યા છે. તેમના કહેવા મુજબ ભારતીય જનતા પાર્ટીમાં હાલ વ્યક્તિ પૂજા વધુ કરવામાં આવી રહી છે. પક્ષની આંતરિક જૂથવાદની રાજનીતિના કારણે તેમણે ભાજપમાંથી બહાર જવાનું પસંદ કર્યું છે.
સુરતમાં AAPના કાર્યકર્તા આપ વિરુદ્દ કરશે પ્રચાર
ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આપના કાર્યકર્તા હવે આપ વિરુદ્ધ પ્રચાર કરશે. રાજેશ દિયોરા નામના આપના કાર્યકર્તાએ આપ પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો છે. આયાતીને પૈસા લઈને ટિકિટ ફાળવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈ રાજેશ દિયોરાએ ગુજરાતના નારાજ આપના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવ્યું છે. રાજેશ દિયોરાએ કહ્યું આપને ગુજરાતમાં એક પણ સીટ નહીં આવવા દઈએ અને દિલ્હી ભેગી કરી દઈશું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપના કાર્યકર્તાઓએ જ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.