Rajkot Game Zone Tragedy: નોકરીનો પ્રથમ દિવસ જ મહિલા માટે બની ગયો જીવનનો અંતિમ દિવસ
Rajkot Tragedy: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલામાં અત્યાર સુધીમાં કુલ 13 લોકોના DNA રિપોર્ટ મેચ થયા છે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.
Rajkot Latest News: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલામાં 28 નિર્દોષ લોકોના મોત થયા છે. વધુ 4 વ્યક્તિઓના DNA રિપોર્ટ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 13 લોકોના DNA રિપોર્ટ મેચ થયા છે અને મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે.આશાબેન ચંદુભાઈ કાથડનો મૃતદેહ પરિવારને સોંપાયો હતા. મૃતદેહની ઓળખ થતાં પરિવારને સોંપાયો હતો. પરિવાર અંતિમવિધિ માટે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહે પહોંચ્યો હતો. આશાબેન TRP ગેમઝોનના કર્મચારી હતા . નોકરીનો પહેલો જ દિવસ હતો અને દુર્ઘટનામાં જીવ ગયો હતો.
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં યાત્રાધાર વીરપુરના યુવકનું મોત થયું છે.યુવક તેની ચાર બહેનોનો એકનો એક ભાઈ અને માતાનો એકમાત્ર આધાર હતા. મૃતકનું નામ જીગ્નેશ ગઢવી છે. તે ગેમ ઝોનમાં નોકરી કરતો હતો અને 20 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો. તેનો મૃતદેહ વીરપુર લાવવામાં આવતાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરતાં માહોલ ગમગીન બન્યો હતો.
રાજકોટ ગેમ ઝોનની ગોઝારી ઘટનામાં વીરપુરના યુવકના મોતથી 10 થી 12 વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મૃતકના પરિવારજનોએ દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.
આ સિવાય આજે ડીએનએ સેમ્પલિંગ મેચ થયા બાદ ગોંડલના સત્યપાલ સિંહ જાડેજાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં જ 15 દિવસ પહેલાં જ નોકરીએ જોડાયેલા સુનીલ ભાઈ સિધપરાનું પણ ડીએનએ ટેસ્ટ મેચ થઇ જતાં તેમના પરિવારજનોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. સત્યપાલ સિંહ જાડેજાની અંતિમયાત્રા વહેલી સવારે જ નીકળી હતી. આખું ગામ તેની અંતિમ યાત્રામાં જોડાયું હતું. ચારેકોર માતમ પ્રસરી ગયું હતું. લોકોની આંખો ભીની જ દેખાતી હતી. જ્યારે સુનીલભાઈની વાત કરીએ તો ગેમ ઝોનમાં જ્યારે આગની ઘટના બની હતી ત્યારે તેઓ ઘટનાસ્થળે હાજર જ હતા. તેમણે ઘણાં લોકોને બચાવવા પ્રયાસ કર્યા અને છેવટે પોતાનો જીવ ગુમાવી દીધો. તેમના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગોઝારી દુર્ઘટનાને લઈને રાજકોટ બાર એસોસિએશન દ્વારા મોટો નિર્ણય લીધો છે. એસોસિએશનના પ્રેસિડેન્ટ બકુલ રાજાણીએ જણાવ્યું કે, 'મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે અમે નિર્ણય લીધો છે કે કોઈ પણ વકીલ આરોપીનો કેસ લડશે નહીં. મને આશા છે કે 3500 વકીલો જોડાશે. તેમ છતાં જો કોઈ વકીલ બહારથી આરોપીઓનો કેસ લડશે તો તેમને રોકવા માટે પણ અમે પૂરતા પ્રયાસ કરીશું. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ. રાજકોટ બાર એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે, 'રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. કોઈપણ પ્રકારના લાયસન્સ વગર આટલા વર્ષોથી આ ગેમ ઝોન ચાલુ હતું અને અધિકારીઓ પણ પોતાના પરિવારને લઈને ગયા છે, ત્યારે આ અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમા કોઈપણ પ્રકારની પરવાનગી કે લાયસન્સ નથી. હમણા અમુક લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવાનો મતલબ કે આ લોકો ક્યાંકને ક્યાંક કસૂરવાર છે.