(Source: ECI/ABP News/ABP Majha)
Rajkot: રાજકોટના ખોડિયાર નગરમાં ગેસ ગળતરથી 10 લોકોને શ્વાસ લેવામાં તકલીફ, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજકોટના ખોડિયાર નગરમાં ગેસ ગળતરની 10 લોકોને અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટના ખોડિયાર નગરમાં ગેસ ગળતરની 10 લોકોને અસર થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, મળતી જાણકારી અનુસાર, રાજકોટના ખોડિયાર નગર વિસ્તારમાં ગેસ ગળતરના કારણે 10 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેના કારણે તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. રહેણાક વિસ્તારમાં કારખાનાના સામે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.
ઝેરી ગેસના કારણે 10 જેટલા લોકોને ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. આ તમામને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રહેણાંક વિસ્તારમાં કારખાનું હોવાથી અનેક લોકોને ઝેરી ગેસની અસર થઇ હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. કારખાના સામે મોટી સંખ્યામાં લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ મામલે લોકોએ થોરાળા પોલીસને રજૂઆત કરી હતી.
વસંત ઓર્નામેન્ટ નામના કારખાનામાંથી ઝેરી વાયુ નીકળતો હોવાના કારણે રહેણાંક વિસ્તારના લોકો પરેશાન થયા છે. ખોડીયાર નગર વિસ્તારમાં 100 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા સાડા ત્રણ મહિનાથી આ ફેક્ટરી શરૂ થઈ છે. સ્થાનિક લોકો દ્વારા ત્રણ મહિનાથી રજૂઆતો કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ મુલાકાત લેવાની જરૂર હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
વસંત ઓર્નામેન્ટના ભાગીદાર ઉમેશભાઈ પરમારે કહ્યું હતું કે અમે અહીંથી કારખાનું આજી વસાહતમાં શિફ્ટ કરી દઈએ છીએ. કંપનીના માલિકે પોતાની ભૂલ સ્વીકારી અને આજે જ કારખાનું બંધ કરવાનું કહ્યું હતું.
પડધરીની સીમમાંથી મળેલો માનવ કંકાલ યુવતીનો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખામટા ગામની સીમમાં તારીખ 9 ઓક્ટોબર 2023 રોજ એક માનવ કંકાલ મળી આવ્યો હતો.પોલીસ માટે આ એક કોયડો બન્યો હતો કે આ માનવ કંકાલ કોનો છે ? સળગેલી હાલતમાં પડેલો આ મૃતદેહ કઇ રીતે અહીં પહોંચ્યો ? પોલીસ આ કેસની તપાસ આસપાસના સીસીટીવી ફુટેજ જોતા એક કાર શંકાસ્પદ હાલતમાં મળી અને કારના નંબરની ચકાસણી કરતા આ કાર રાજકોટની હોટેલ પાર્ક ઇનમાં મેનેજર તરીકે ફરજ બજાવતા મેહુલ ચોટલીયાની હોવાનું સામે આવ્યું હતું. મેહુલે હત્યા કરી હોવાની પોલીસને શંકા જતા તેઓએ પુછપરછ શરૂ કરી જેમાં મેહુલ ભાંગી પડ્યો હતો અને આ હત્યા પોતે કરી હોવાની કબૂલાત આપી હતી.
જે લાશ મળી હતી તે એક આશરે 25 વર્ષીય મહિલા અલ્પા ઉર્ફે આઇશા મકવાણાની છે અને તે તેની પત્નિ તરીકે રહેતી હતી અને પોતે જ તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે મેહુલ ચોટલીયાની ધરપકડ કરી છે.
પોલીસના કહેવા મુજબ માનવ કંકાલ બન્યા બાદ આ લાશ કોની છે તે મોટો કોયડો હતો.પોલીસે આ અંગે આસપાસના સીસીટીવીની તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે અંદાજિત 15000 જેટલી કારના નંબરની તપાસ કરીને કારચાલકોની પુછપરછ શરૂ કરી હતી. જેમાં જીજે 3 KH 3767 નંબરની કાર શંકાસ્પદ હાલતમાં બે થી ત્રણ વખત પસાર થતી જોવી મળી હતી. પોલીસના કહેવા પ્રમાણે આ કારના ચાલક મેહુલની પુછપરછ કરતા તેને જે નિવેદન આપ્યું હતું અને જે સ્થળે ગયો હોવાની કબૂલાત આપી હતી તે સ્થળ સાથે મેહુલનું નિવેદન મળતું ન હતું. જેના કારણે પોલીસે તપાસ કરતા મેહુલે હત્યા કરીને લાશ અહીં સળગાવી દીધી હોવાની કબૂલાત આપી હતી.