રાજકોટઃ પૂરક પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી ઝડપાઈ, અંગ્રેજીનું પેપર આપવા બહેનપણીને બેસાડી
ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે કલ્યાણ હાઇસ્કૂલના આચાર્ય દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી છે.
હાલમાં ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષા ચાલી રહી છે. સમગ્ર રાજ્યમાં 765 બિલ્ડીંગોમાં 7,530 વર્ગખંડોમાં પરીક્ષા લેવાઈ રહી છે. રાજ્યમાં પૂરક પરીક્ષામાં કુલ 2.59 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. ત્યારે રાજકોટમાં પૂરક પરીક્ષામાં ડમી પરીક્ષાર્થી ઝડપાઈ છે.
ગાંધીગ્રામ પોલીસ મથક ખાતે કલ્યાણ હાઇસ્કૂલના આચાર્ય દ્વારા ફરીયાદ નોંધાવવામાં આવી છે. જેમાં વંદના વાઢેર અને કુંજલ મેર વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર વંદના વાઢેરની અંગ્રેજીનું પેપર આપવા તેની બહેનપણી કુંજલ મેર પરીક્ષા ખંડમાં બેસી હતી.
ધોરણ 10 અને 12ના મળી કુલ 2,59,385 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં હાજર રહેશે. સમગ્ર રાજ્યમાં ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે 1,84,831 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમની પરીક્ષા માટે 476 બિલ્ડિંગોમાં 4743 વર્ગખંડનો ઉપયોગ કરવામાં આવશે. સવારે બેઝિક ગણિતની અને બપોરના સેશનમાં ગુજરાતી પ્રથમ ભાષા સહિત તમામ પ્રથમ ભાષાની પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.
ધો.12 સામાન્ય પ્રવાહમાં 58,881 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જેમની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાં 208 બિલ્ડિંગોમાં 2001 વર્ગખંડનો ઉપયોગ થશે. ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા 13 જુલાઈના રોજ લેવાશે. જ્યારે ધો.12 સાયન્સમાં લેવાનારી પૂરક પરીક્ષા 15,673 વિદ્યાર્થીઓ આપશે.