Rajkot: નવજાત બાળકી મામલે મોટો ખુલાસોઃ સગીરા વગર લગ્ને બની માતા, બાળકીનો પિતા કોણ?
ગર્ભવતી મહિલાઓની તપાસ કરતાં એમપીથી ખેત મજૂરી કરી રહેલો એક પરિવાર મળી આવ્યો હતો. તેમની દીકરીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. દીકરીના લગ્નમાં આ બાળકી બાધારૂપ હોવાથી બાળકીને તરછોડી દીધી હતી.
રાજકોટઃ પડધરીના નાના ખીજડિયા ગામે નવજાત બાળકીને ત્યજી દેવાના મામલો ચોંકાવનારી વિગતો સામે આવી છે. નવજાત બાળકીની માતા સહિત 3 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. બાળકીની માતા સગીર હોવાનું અને તેના લગ્ન ન થયા હોવાનું સામે આવ્યું છે. સગીરાના માતા-પિતાએ તળાવ પાસે દીકરીની ડિલવરી કરાવી નવજાત બાળકીને ત્યાં જ તરછોડી દીધી હતી.
પોલીસે આસપાસના વાડી વિસ્તારમાં ગર્ભવતી મહિલાઓની તપાસ કરતાં એમપીથી ખેત મજૂરી કરી રહેલો એક પરિવાર મળી આવ્યો હતો. જેમની સગીરવયની દીકરીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. દીકરીના લગ્નમાં આ બાળકી બાધારૂપ હોવાથી તેમણે નવજાત બાળકીને તરછોડી દીધી હતી.
રાજકોટના એસપી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, નાના ખીજડિયા આસપાસ તપાક કરતા વાડીમાંથી સગીરા અને તેના માતા-પિતા મળી આવ્યા હતા. ત્રણેયને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. અન્ય રાજ્યમાં ખેતર મજૂરી કરવા આવ્યા હતા. દીકરીના લગ્ન કરવાના હોવાથી બાળક નડતરરૂપ હોવાથી તેને ત્યજી દીધું હતું. બાળકીનો પિતા કોણ છે તેની પણ તપાસ હાથ ધરી છે. ગુનાનો ભોગ બન્યા છે કે નહીં તે તપાસ કરી રહ્યા છીએ. બાળકી અત્યારે સ્ટેબલ છે, તેને કોઈ તકલીફ નથી.
ગઈ કાલે માતાએ નવજાત બાળકીને ત્યજી ત્યાંથી 100 મીટર જ દૂર જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું હતું. પડધરી પોલીસે IPC કલમ 317 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. વાડી માલિક નવલસિંહ જાડેજા ફરિયાદી બનાવવામાં આવ્યા હતા. મોબાઈલ ટાવર ડમ્પ અને આંગણવાડી વર્કરના આધારે તપાસ શરૂ કરી હતી. નવજાત બાળકીને ત્યાજેલી જગ્યા થી 100 મીટર દૂર રોડ પર જ ડિલેવરી થઈ હોવાના પુરાવા પોલીસે એકત્ર કર્યા હતા.
પોલીસે બાળકીના DNA અને રોડ પરથી લીધેલા લોહીના નમૂના FSLમાં મોકલ્યા હતા. રોડ પર મહિલાના પગના લોહીવાળા નિશાન અને પરત જતી વખતના પણ ફૂટપ્રિન્ટ મળ્યા હતા. નવજાત બાળકીને ખાડામાં રેતી નાખી ડાંટી દેવાનો પ્રયાસ કર્યો હતો.
બે દિવસ પહેલા નવજાત બાળકીને કપડામાં વીંટીને બાદમાં ધૂળ પણ નાખી દીધી હતી. આમ છતાં બાળકી બચી ગઈ હતી. પડધરી તાલુકાના નાના ખીજડિયા ગામે તાજી જન્મેલી ફુલજેવી બાળકી મળી આવી હતી. ખીજડિયા ગામની ડેમમાં સવારે જીવિત બાળક પડ્યું હતું. ખીજડિયા ગામના આગેવાન નવલસિંહ જાડેજા અને તેમના ભત્રીજા પ્રધુમનસિંહ જાડેજાએ પોલીસ અને 108 ને જાણ કરી હતી. સારવાર માટે બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. બાળકને તેની નાળ સાથે કપડામાં વીંટી દેવામાં આવ્યું હતું. બાળકને કપડાં પર ધૂળ નાખી ઢાંકી દેવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલમાં NICU માં દાખલ કરી હતી. 108ના ડિસ્ટ્રીકટ મેનેજરે કહ્યું બાળક હાલમાં સ્વસ્થ છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક ડોક્ટરો બાળકોની સઘન સારવાર કરી રહ્યા છે.
ખીજડીયા ગામના ખેડૂતે સમગ્ર હકીકત જણાવી હતી. ત્યાર બાદ 108 અને પોલીસ ને કઈ રીતે જાણ કરવામાં આવી હતી. કદાચ જો આ ખેડૂતને ખબર ન પડી હોત તો કદાચ બાળકી જીવિત ન હોત. ખીજડીયા ગામના ખેડૂત નવલસિંહ જાડેજા પોતાની એક વાડીથી બીજી વાડીએ જતા હતા. ત્યારે બાળકીનો રડવાનો અવાજ આવતા તેમને તાત્કાલિક બાઈક ઊભું રાખી દીધું હતું અને બાદમાં તેમના ભત્રીજા ને જાણ કરી હતી. તેમના ભત્રીજા પ્રદ્યુમનસિંહ જાડેજા એ પડધરી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.