Heart Attack: રાજકોટમાં હાર્ટએટેકથી 26 વર્ષીય યુવકનું મોત, 36 કલાકમાં ચોથી ઘટના
Rajkot: રંગીલા રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી હાર્ટએટેકની ઘટનામાં ચિંતાજનક વધારો થયો છે.
Rajkot News: કોરોના પછી ખાસ કરીને યુવાનોમાં હાર્ટએટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. જે બાબતે જુદા-જુદા તબીબો અલગ-અલગ કારણો આપી રહ્યા છે. આમ છતાં કોરોના પછી જ અચાનક યુવાનોમાં હાર્ટએટેકનું પ્રમાણ કેમ વધી ગયું છે તેની પાછળનું કોઈ ચોકકસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. રાજકોટમાં આજે હૃદયરોગના હુમલાથી 26 વર્ષીય ગૌતમ વાળા નામના યુવકનું મોત થયું છે. આ પહેલા ગત 24 કલાકમાં શહેરમાં ત્રણ લોકોના હાર્ટએટેકતી મોત થયા હતા.
છેલ્લા 24 કલાક માં ચારનાં મોત
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અને મેટોડા જીઆઈડીસીમાં એક મળી કુલ ચાર લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. અંબિકા ટાઉનશીપમાં વ્યંકટેશ એપાર્ટમેન્ટમાં રહેતા અને સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર (ઉ.વ. 35) ઘરે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં મૃત્યુ નિપજયું હતું. જેમનું હાર્ટએટેકથી મોત થયાનું તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
કોઠારીયા ગામે રહેતા રાજેશભાઈ ગોરધનભાઈ ભૂત (ઉ.વ. 45) રાજકોટ નજીકના ખોરાણા ગામે પોતાની વાડીએ હતા ત્યારે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું. હાર્ટએટેકથી મોત થયાનું કુવાડવા રોડ પોલીસે જણાવ્યું હતું. ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉદ્યોગનગરમાં રહેતા રશીદખાન નત્થુખાન (ઉ.વ. 34) બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મોત નિપજયું હતું. આજી ડેમ પોલીસે હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું હતું. મેટોડા જીઆઈડીસીમાં સ્થિત એસએસવી વાલ્વ કંપનીમાં નોકરી કરતા અને તેની જ ઓરડીમાં રહેતા વિજય માલુઆ સાંકેશ (ઉ.વ. 30) રસોઈ બનાવતી વખતે બેભાન થઈ જતાં સિવીલમાં ખસેડાયા હતા. જયાં તેનું મૃત્યુ નિપજયું હતું. હાર્ટએટેકથી મોત થયાનું મેટોડા પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.
દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી નિધન
દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી નિધન થયું હતું. બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.