Rajkot : ATMમાં ખાસ પ્લેટ ફિટ કરી ગ્રાહકોના પૈસા ઉઠાવી લેતા, રાજસ્થાનની ગેંગ ઝડપાઈ, જાણો વિગતો
હવે ATMમાંથી પણ પૈસા ઉપાડવા સુરક્ષિત નથી. રાજકોટમાં અમુક ભેજાબાજો દ્વારા ગ્રાહકના નાણાં ઉપાડી લેવા નવી તરકીબ અજમાવવામાં આવી રહી છે.
રાજકોટ: ગુલાબી ઠંડી અને શિયાળાની શરુઆત થતાની સાથે જ રાજ્યના અનેક શહેરોમાં ચોરી અને લૂંટના બનાવો વધવા લાગ્યાછે. રાજકોટમાં એટીએમમાંથી પૈસા ચોરતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. હવે ATMમાંથી પણ પૈસા ઉપાડવા સુરક્ષિત નથી. રાજકોટમાં અમુક ભેજાબાજો દ્વારા ગ્રાહકના નાણાં ઉપાડી લેવા નવી તરકીબ અજમાવવામાં આવી રહી છે. રાજકોટ પોલીસની ટીમે આ પ્રકારની ચોરી કરતી ગેંગના બે આરોપીને ઝડપી પાડ્યા છે.
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ (ઉવ.34) અને દિનેશ ભાટી (ઉવ.30)ની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સો મૂળ રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે. જ્યારે રાજસ્થાનના અન્ય બે વ્યક્તિઓ બહાદુર તેમજ સુરજ ચૌહાણની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઘણા એટીએમમાં ચોરી કરી
આરોપીઓ દ્વારા દસ દિવસ પૂર્વે સુરત ખાતે અલગ-અલગ જગ્યાએ પાંચ જેટલા ATMને નુકસાન કરી રૂપિયા ચોરી કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. અહેવાલ અનુસાર, આ ગેંગે બે જેટલા એટીએમમાંથી રૂપિયાની ચોરી પણ કરી હતી. જ્યારે કે દસ દિવસ પૂર્વે વડોદરામાં ત્રણ જેટલા એટીએમમાં નુકસાની કરી ચોરીની કોશિશ કરી હતી. આ શખ્સોએ રાજકોટના પાંચ એટીએમ સહિત ટંકારા અને મોરબીમાં પણ બે એટીએમમાં ચોરી અથવા ચોરીનો પ્રયાસ કર્યો હતો.
એટીએમમાં ટ્રાન્ઝેક્શન થાય, પરંતુ પૈસા મળતા નહી
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓ ATMમાં રૂપિયા ઉપાડવા આવ્યા બાદમાં મશીનમાં એક પ્લેટ લગાવી ચોરી કરવાની નવી તરકીબ અપનાવતા હતા. આરોપીઓ ATMમાં ઘૂસીને પ્રથમ પોતાના કાર્ડથી પૈસા ઉપાડતા હતા. બાદમાં ATMમાં પૈસા નીકળતા સ્લોટ પાસે એક ખાસ પ્રકારની લાંબા હાથાવાળી પ્લેટ ફીટ કરી દેતા, જેથી કોઇ ગ્રાહક પોતાના ATM કાર્ડથી નાણાં ઉપાડે, ત્યારે ટ્રાન્ઝેકશનની પ્રોસેસ થઈ જાય અને પછી પૈસા એટીએમમાંથી બહાર આવે નહી. આ રીતે એટીએમમાંથી ગ્રાહકો પરત ગયા બાદ આરોપીઓ એટીએમમાં જઈ તેમાંથી પૈસા કાઢી લેતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસ આધારે આ 5 આરોપી વિરુદ્ધ ગુનાનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓએ રાજકોટ ઉપરાંત ભરૂચ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં 10 ગુનાની કબૂલાત કરવામાં આવી હતી.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપી વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ પણ જોડાયેલ છે. જેમાં બલવીર ઉર્ફે બીરબલ વિરુધ્ધ 2017માં દુષ્કર્મ અને 2019માં ટ્રેકટર ચોરી અંગે રાજસ્થાનના અલગ અલગ બે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જયારે ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપી બહાદુર અને સૂરજ ચૌહાણ નામના ફરાર શખ્સોની શોધખોળ ચાલી રહી છે.