રાજકોટઃ ગોંડલ પાંજરાપોળ પાસે એસટી બસે વૃદ્ધને લીધા હડફેટે, લોકોના મારની બીકે ડ્રાઈવરે નદીમાં ઝંપલાવ્યું
ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ દ્વારા એસ.ટી બસ ડ્રાઈવરને સ્મશાન પાસેથી બહાર કઢાયો હતો.
ST Bus Accident: રાજકોટ જિલ્લાના ગોંડલ પાંજરાપોળ પાસે અકસ્માત સર્જાયો છે. એસ.ટી. બસ ચાલકે વૃદ્ધને હડફેટે લીધા છે. મોવિયા રોડ પર આવેલ પુલની ગોળાઈ પર પાટલી ઉપર બેસેલ વૃદ્ધને એસ.ટી. બેસે હડફેટે લીધા હતા. અકસ્માત બાદ બસ ડ્રાઈવર લોકોના માર મારવાની બીકે નદીમાં ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ દ્વારા એસ.ટી બસ ડ્રાઈવરને સ્મશાન પાસેથી બહાર કઢાયો હતો.
અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. ઈજાગ્રસ્ત એસ.ટી બસ ડ્રાઈવરને સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની ઘટનાને લઈને પુલની બંને બાજુ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં ગોંડલ સીટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો..
રાજ્યમાં કાર અકસ્માતનો સિલસિલો યથાવત છે, ગઈકાલે જ રાજકોટમાં વધુ એક મોટો અકસ્માત સામે આવ્યો હતો, આ વખતે કોઇ સામાન્ય કાર ચાલકે નહીં પરંતુ ખુદ પોલીસ કર્મીએ એક છોકરીને અડફેટે લીધી હતી.
મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહીં એક કારચાલક પોલીસકર્મીએ રાજકોટની સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ગેટ પાસે સાયકલ સવાર કિશોરીને અડફેટે લઇ લીધી હતી, આ ઘટનામાં 17 વર્ષીય સાયકલ સવાર યુવતી કિશોરીને કારે હવામાં ફંગોળી હતી. બાદમાં અકસ્માત દરમિયાન હાજર રહેલા લોકો અને નજરે જોનારા લોકોએ સમગ્ર ઘટનામાં કહ્યું કે, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારચાલક પોલીસકર્મી નશામાં ધૂત હતો અને નશો કરીને કાર હંકારી રહ્યો હતો તેના કારણે 17 વર્ષીય કિશોરીને અડફેટે લઇ લીધી હતી.
જોકે, સદનસીબે કિશોરીને મોટી જાનહાનિ થઇ ન નહતી માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. આ કારચાલકનું નામ લક્ષ્મીનારાયણ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવી રહ્યો હોવાનું બહાર આવ્યુ છે. અકસ્માત બાદ ભોગ બનનાર કિશોરીના ભાઇએ પોલીસ ફરિયાદ કરી હતી જેમાં તેને પોલીસકર્મી નશો કરેલી હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે, હવે સવાલ એ થાય છે કે નશાની હાલતમાં બેફામ બનેલા કાર ચલાવનાર પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી તેનો બચાવ થશે ? હાલમાં તો યૂનિવર્સિટી પોલીસે આ અકસ્માત સર્જનારા પોલીસકર્મીની અટકાયત કરી છે.