Rajkot: રાજકોટના દિગ્ગજ નેતાની થશે કોંગ્રેસમાં ઘરવાપસી, શક્તિસિંહ આવતાં જ સોગઠાં ગોઠવાયાં
વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા હતા
Rajkot: ગુજરાતની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં આવતાની સાથે જ હવે કોંગ્રેસમાં નવા જુસ્સો પેદા થયો છે. માહિતી છે કે, કોંગ્રેસમાં કેટલાક નેતાઓની ફરીથી ઘરવાપસી થઇ શકે છે. હાલમાં જ વાત સામે આવી છે કે, પૂર્વ વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયાની કોંગ્રેસ પાર્ટીમાં ફરીથી ઘરવાપસી થશે. આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ફરી કોંગ્રેસમાં જોડાશે. વશરામ સાગઠિયાની સાથે પૂર્વ કોર્પૉરેટર કોમલ ભારાઇ પણ ફરી કોંગ્રેસમાં જોડાશે. ઉલ્લેખનીય છે કે, વશરામ સાગઠિયાએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાંખતા ફરી કોંગ્રેસ સાથે જોડાવવાની વાત વહેતા થઇ હતી.
વશરામ સાગઠિયા રાજકોટના મોટા નેતા છે, વશરામ સાગઠિયાને આમ આદમી પાર્ટીએ બરતરફ કર્યા હતા. વશરામ સાગઠિયાને પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરવા બદલ તમામ પદપરથી કરાયા સેવા નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. વશરામ સાગઠિયા શક્તિસિંહ ગોહિલની પદયાત્રા બાદ કોંગ્રેસ કાર્યાલયમાં પણ જોવા મળ્યા હતા. ખાસ વાત છે કે, વશરામ સાગઠિયા તે સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. રાજકોટ ગ્રામ્યની બેઠકમાંથી વશરામ સાગઠીયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના અગ્રણી નેતાઓને દિલ્હીનું તેડું
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકબાદ એક પાર્ટી સાથે છેડો ફાડી રહ્યા છે. કોંગ્રેસની કથળતી જતી સ્થિતિને લઈ રાજ્યના અગ્રણી નેતાઓને દિલ્હીથી તેડું આવ્યું છે. રાહુલ ગાંધીએ ગુજરાતના નેતાઓને મુલાકાત માટે બોલાવ્યા છે. 22મી જૂનના રોજ રાહુલ ગાંધી આગામી લોકસભાની ચૂંટણી માટે મંથન કરશે અને ગત વર્ષે રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી સમીક્ષા કરશે. ઉપરાંત ફેકટ ફાઇડિંગ કમિટીના અહેવાલ અંગે રાહુલ ગાંધી સમીક્ષા કરશે. નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સહિતના નેતાઓ દિલ્હી જશે.ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન અંગે થોડા દિવસ પહેલા મોટો ખુલાસો થયો હતો. જે મુજબ ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ ટિકિટનો વેપલો કર્યો હતો. કોંગ્રેસ હાઈકમાન્ડે મંજૂર કરેલા ઉમેદવારોનો ગુજરાતના નેતાઓએ સોદો કર્યો હોવાનો સનસનીખેજ ખુલાસો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના રિપોર્ટમાં થયો હતો. ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણીમાં 35 બેઠકો નેતાઓએ ઉમેદવારોને વેચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 35 ઉમેદવારો પાસેથી રૂપિયા લઇને ટિકિટો આપી હોવાનો સત્ય શોધક કમિટીએ રિપોર્ટ આપ્યો હતો.
ગુજરાતમાં કોંગ્રેસ હારી તે એક કાવતરું હોવાનો પણ ફેકટ ફાઈન્ડિંગ કમિટીના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને ખતમ કરવા માટેનું એક કાવતરું હોવાનું ફેકટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટ જણાવ્યું હતું. ઉમેદવારોને આર્થિક વ્યવહાર કરીને ટિકિટ આપવામાં આવી હોવાનો ફેકટ ફાઈન્ડિંગ કમિટીનો રિપોર્ટ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ ઉપરાંત રિપોર્ટમાં ઉમેદવારોની પસંદગીમાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી હોવાનું, ટિકિટ વહેંચણીમાં સામાજિક સમીકરણ અને ભૌગોલિક સમીકરણનો અભાવ હોવાનું જણાવાયું હતું.