(Source: ECI/ABP News/ABP Majha)
RAJKOT : રાજકોટના ક્યા ટોચના બિલ્ડરની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે આપ્યો શું મોટો ચુકાદો ?
આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 2014માં આજીવન કેદની સજા ફટકારી હતી ત્યાર બાદ આરોપી હાઈકોર્ટમાં ગયો હતો.આજીવન કેદની સજા હાઇકોર્ટે કાયમ રાખી હતી.
RAJKOT : રાજકોટના બહુ ચકચારી બિલ્ડર ડાયાભાઇ કોટેચાની હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.બિલ્ડર ડાયાભાઇ કોટેચા હત્યાકેસમાં સુપ્રીમ કોર્ટે આરોપી શૈલેન્દ્રસિંહ જાડેજાની આજીવન કેદ સુપ્રીમ યથાવત રાખી છે. પૈસાની લેતીદેતી મામલે અને જમીન પ્રકરણમાં અગ્રણી બિલ્ડર ડાયાભાઇ કોટેચાની હત્યા કરવામાં આવી હતી.આરોપીએ બિલ્ડર ડાયાભાઈ કોટેચાની ઓફિસમાં ઘૂસીને હત્યા કરી હતી.
2009માં થઇ હતી હત્યા
આરોપી અને બિલ્ડર ડાયાભાઇ કોટેચા વચ્ચે આણંદપરની જમીન મામલે વિવાદ ચાલતો હતો. 25 માર્ચ 2009ની તારીખે સાંજના સમયે ફૂલછાબ ચોક સ્થિત ડાયાભાઈ કોટેચાની ઓફિસ જઈ ઉપરા છાપરી છરીના ઘા ઝીંકી આરોપીએ તેમની હત્યા નીપજાવી હતી.આ સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં હત્યા સહિતની કલમો હેઠળ કેસ નોંધાયો હતો.
કોર્ટે ફટકારી હતી આજીવન કેદની સજા
આ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 2014માં આજીવન કેદની સજા ફટકારી હતી ત્યાર બાદ આરોપી હાઈકોર્ટમાં ગયો હતો. સેશન્સ કોર્ટના ચૂકાદાને આરોપી દ્વારા ગુજરાત હાઇકોર્ટની બે જજોની ખંડપીઠ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. ખંડપીઠે આરોપીની અપીલ નામંજુર કરી હતી અને ડાયાભાઇ કોટેચા હત્યા કેસમાં આરોપી શૈલૈન્દ્રસિંહ બચુભા જાડેજાની આજીવન કેદની સજા હાઇકોર્ટે કાયમ રાખી હતી.ત્યાર બાદ સુપ્રીમકોર્ટમાં જતા નામદાર સુપ્રીમ કોર્ટે પણ આજીવન કેદની સજા યથાવત રાખી છે.
રાજકોટમાં હાલમાં જ એક બિલ્ડરે કરી હતી આત્મહત્યા
રાજકોટમાં ગત 2 માર્ચના રોજ જાણીતા બિલ્ડર અને પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ઝેરી દવા પીધા પછી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. પોતાની ઓફિસ ખાતે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતા પહેલા મિડીયાને પ્રેસનોટ મોકલી હતી. અમદાવાદ જિલ્લાની બાવળા તાલુકાની "ધ તસ્કની બીચ સીટી" નામના પ્રોજેક્ટમાં મહેન્દ્ર ફળદુ અને તેના પરિવારજનોએ 1 લાખ વાર જગ્યા ખરીદીને કરોડોનું રોકાણ કર્યું હતું. મહેન્દ્ર ફળદુના કહેવાથી 2007માં ત્રણ કરોડથી વધારે રૂપિયાનું ઓઝોન ગ્રુપમાં રોકાણ કરાયુ. જો કે ઓઝોન ગ્રુપના બિલ્ડર એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અતુલ મહેતા, અમદાવાદના ઓઝોન ગ્રુપના જયેશ પટેલ, દિપક પટેલ , પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જમીનના દસ્તાવેજ કરી આપતા ન હતા.