જસદણ અને દ્વારકામાં બે અકસ્માતની ઘટનામાં બે બાળકી સહિત પાંચ લોકોના મોત
અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Jasdan Accident: રાજકોટના જસદણમાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જસદણ પાસે આવેલ બાખલવડમાં ફૂલ સ્પીડ આવતી કારે બાઈકને હડફેટે લીધું હતું. અકસ્માતમાં મામા અને બે ભાણેજના ઘટના સ્થળે મોત થયા છે. ત્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ અજય સદાદિયા, કિંજલ ઓળકીયા અને માહી ઓળકીયા હોવાની માહિતી મળી છે.
જામનગર-ખંભાળીયા હાઈવે પર રફ્તારનો કહેર જોવા મળ્યો છે. કજૂરડા પાટિયા પાસે બેફામ કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલ માતા-પુત્રીને ઉડાવ્યા જેના કારણે બંન્નેનું ઘટના સ્થળે મોત થયું છે. 32 વર્ષીય હિનાબા જાડેજા અને 9 વર્ષીય કૃપાબા જાડેજાનું મોત થતા પરિવારમાં શોક છે.
રાજકોટના શાપરમાં વધુ એક અકસ્માત સર્જાયાની ઘટના સામે આવી છે. શાપરમાં કિશાન ગેઇટ સામે પુલ ઉપર રોંગ સાઈડમાં આવતા બાઇકને બોલેરો ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે ભાઈઓના મોત થયા છે. અકસ્માતની ઘટનાને લઈને પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ છે.
પોલીસ પાસથી મળતી વિગતો અનુસાર, રાજકોટમાં ગોંડલ રોડ ઉપર વાવડી વિસ્તારમાં રહેતો ચંદ્રપ્રકાશ દિનદયાલ વર્મા (ઉ.વ.32) અને તેનો મોટો ભાઈ વીરબહાદુર દિનદયાલ વર્મા સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં કારખાનામાંથી છૂટ્યા બાદ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જવા બંને ભાઈઓ બાઈક લઈને નીકળ્યા હતા ત્યારે શાપરમાં કિશાન ગેઇટ સામે આવેલા પુલ ઉપર બંને ભાઈઓ ડબલ સવારીમાં રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવેતી બોલેરો કારના ચાલાકે રોંગ સાઈડમાં આવતા બાઈકને ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બંને યુવકની સારવાર કારગત નિવડે તે પહેલા જ પહેલા ચંદ્રપ્રકાશ વર્માએ અને બાદમાં વીરબહાદુર વર્માએ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પૂછપરછમાં ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્મા મૂળ ઉત્તર પ્રદેશના વતની છે અને ચાર ભાઈ હતા. ચંદ્રપ્રકાશ વર્મા અને વીરબહાદુર વર્માને બે-બે પુત્ર છે. અને કારખાનામાંથી કામ કરી બંને ભાઈઓ ચંદ્રપ્રકાશ વર્માના ઘરે જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતની ઘટનાને ળઈ શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.