Tomato: શાકભાજીના વધતા ભાવ વચ્ચે લોકોને મળી રાહત, ટામેટાના ભાવમાં કિલો દીઠ મોટો ઘટાડો
Tomato:શાકભાજીના વધતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે
Tomato: શાકભાજીના વધતા ભાવ વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. છેલ્લા ત્રણ મહિનાથી ટામેટાના ઉંચા ભાવે ગૃહિણીઓને પરેશાન કરી દીધી હતી. ત્યારે હવે ટામેટાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. રાજકોટમાં ટામેટાના ભાવમાં કિલો દીઠ 100 રૂપિયાનો મોટો ઘટાડો નોંધાતા લોકોને રાહત મળી હતી.
છેલ્લા બે દિવસમાં ટામેટાના ભાવમાં કિલોએ 100 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો હતો. મહારાષ્ટ્રમાંથી જથ્થાબંધ 60 થી 70 રૂપિયા કિલો ટામેટા ગુજરાતમાં આવી રહ્યા હોવાના કારણે ટામેટાના ભાવમા મોટો ઘટાડો થયો હતો. તો બેગ્લોરમાંથી પણ 70 થી 80 રૂપિયાના કિલો જથ્થાબંધ ટામેટા ગુજરાતમાં આવી રહ્યા છે.રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 70 થી 80 રૂપિયા કિલો જથ્થાબંધ ટામેટાની હરાજી થઇ રહી છે. દરરોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 10 થી 12 ટ્રક ટામેટા આવી રહ્યા છે.
અમદાવાદમાં શાકભાજીના ભાવમાં છેલ્લા બે ત્રણ દિવસથી જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજી બજારમાં કિલો દીઠ મોટાભાગની શાકભાજીમાં 10 થી 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. તહેવારોની સિઝન પહેલા આ પ્રકારે શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વરસાદ બંધ થતાં જ શાકભાજીની આવકમાં જોરદાર વધારો થઇ રહ્યો છે, આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો નોંધાયો છે. સંભાવના છે કે, હજુ પણ આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં નિયંત્રણ આવશે અને ઘટાડો નોંધાશે.
અગાઉ રાજકોટમાં ટામેટાનો ભાવ 180થી 200 રૂપિયા આસપાસ પહોંચ્યો હતોય જ્યારે સારા ટામેટા ખરીદવા જઈએ તો ભાવ 220 રૂપિયા આસપાસ જોવા મળી રહ્યો છે. રાજકોટની બહેનોએ કહ્યું હતું કે ત્રણ શાક લઈ એટલે 500 ની નોટ જતી રહે છે. શાકભાજીના ભાવ આટલા મોંઘા ક્યારેય જોયા ન હતા. દરેક શાક એટલું મોંઘું છે પરંતુ ટામેટાનો ભાવ તો રેકોર્ડ બ્રેક થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ટામેટાના વધતા ભાવ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ટામેટા જ એક માત્ર ખાવાની ચીજ નથી. સમય બદલાશે ત્યારે ભાવ કાબૂમાં આવશે. સપ્લાય વધશે ત્યારે ટામેટાના ભાવ નીચા આવશે. ટામેટાના વધતા ભાવ મુદ્દે ઋષિકેશ પટેલના નિવેદનથી મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.