વિજય રૂપાણીના નિધન સાથે '૧૨૦૬' અને '૨' અંકનો કરુણ યોગાનુયોગ: કાર નંબરથી લઈ સીટ નંબર સુધી અંકગણિતનો સંયોગ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીનું ૧૨ જૂને દુર્ઘટનામાં અવસાન, ફેવરિટ નંબર અંતિમ દિવસની તારીખ બન્યો; જન્મ તારીખ '૨' અને સીટ નંબર '૨D' નો અનોખો સંબંધ.

Vijay Rupani death numerology: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં થયેલું કરુણ નિધન અનેક કરુણ યોગાનુયોગોથી ભરેલું છે. ખાસ કરીને તેમના પ્રિય અંક ૧૨૦૬ અને જન્મ તારીખના અંક ૨ નો તેમની વિદાય સાથેનો સંબંધ આઘાતજનક છે.
'૧૨૦૬' : પ્રિય નંબરથી અંતિમ તારીખ સુધી
વિજયભાઈ રૂપાણી માટે '૧૨૦૬' અંક અત્યંત પ્રિય હતો. તેઓ કોઈપણ શુભ કાર્ય કરવા માટે આ તારીખ (૧૨ જૂન) ને પસંદ કરતા હતા. તેમની કાર અને એક્ટિવા સહિતના વાહનોનો નંબર પણ તેઓ '૧૨૦૬' જ રાખતા હતા. રાજકોટમાં આ નંબર વાંચીને લોકો તરત જ સમજી જતા કે આ વાહન વિજયભાઈ રૂપાણીનું જ છે.
યોગાનુયોગ જુઓ, જે દિવસે તેમનું નિધન થયું, તે તારીખ ૧૨ જૂન, ૨૦૨૫ છે, જેનો તારીખ અને મહિનો '૧૨ ૦૬' થાય છે. લંડનમાં રહેતી તેમની દીકરીને મળવા જવા માટે પણ તેમણે આ જ તારીખ પસંદ કરી હતી, જેમાં '૧૨૦૬' નો અંક મોજુદ હતો. જોકે, તેમને ક્યાં ખબર હતી કે આ તેમનો પ્રિય નંબર જ તેમના અંતિમ દિવસની તારીખ બની રહેશે. ક્રેશ થયેલા પ્લેનના પેસેન્જર લિસ્ટમાં પણ વિજયભાઈનો પેસેન્જર નંબર '૧૨' હતો, જે આ યોગાનુયોગને વધુ ઘેરો બનાવે છે.
જન્મ તારીખ '૨' અને સીટ નંબર '૨D' નો સંબંધ
વિજયભાઈ રૂપાણીનો બીજો કરુણ યોગાનુયોગ તેમની જન્મ તારીખ સાથે જોડાયેલો છે. તેમની જન્મ તારીખ ૨ ઓગસ્ટ હતી. જે એર ઈન્ડિયાના પ્લેનમાં તેઓ સફર કરી રહ્યા હતા, તેમાં તેમનો સીટ નંબર ૨D હતો. એટલે કે બિઝનેસ ક્લાસમાં તેમની સીટનો નંબર '૨' હતો. અહીં પણ '૨' ના અંકનો અનોખો સંયોગ જોવા મળે છે.
પુત્ર પુજિત અને સમાજ સેવા
ઉલ્લેખનીય છે કે, વિજયભાઈ રૂપાણીના પુત્ર પુજિતનું નાની વયે એક દુર્ઘટનામાં અવસાન થયું હતું. પુજિતના મૃત્યુ પછી વિજયભાઈ અને તેમનાં પત્ની અંજલીબેન ગહન આઘાતમાં હતા. સમય જતાં, વિજયભાઈએ પુજિતની યાદમાં સમાજસેવા કરવાનું નક્કી કર્યું. તેમણે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને મદદ કરવાના ઉદ્દેશ્યથી પુજિત રૂપાણી મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ ની શરૂઆત કરી હતી, જે આજે પણ કાર્યરત છે અને અનેક લોકોને મદદરૂપ થઈ રહ્યું છે.
વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતના રાજકારણમાં એક મોટી ખોટ પડી છે, અને તેમના જીવન સાથે જોડાયેલા આ કરુણ અંકગણિતના સંયોગો સૌ કોઈને સ્તબ્ધ કરી રહ્યા છે.





















