Crime News: સુરતના માંડવીની આશ્રમ શાળાના શિક્ષકની લંપટ લીલા, બાળકીઓને રૂમમાં લઇ જઇ કરતો શારીરિક અડપલા
બાળકીઓને મોબાઈલમા અશ્લીલ વિડિયો બતાવી શિક્ષક શારીરિક અડપલાં કરતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે
ગાંધીનગરઃ સુરતના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના શિક્ષકની લંપટ લીલા સામે આવી છે. પાંચમા ધોરણમા અભ્યાસ કરતી બાળકીઓને મોબાઈલમા અશ્લીલ વિડિયો બતાવી શિક્ષક શારીરિક અડપલાં કરતો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. એક બાળકીએ પોતાના દાદાને સમગ્ર ઘટનાની જાણ કરતા લંપટ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
માંડવી તાલુકાના એક આશ્રમ શાળામાં હાર્દિક સુધીર પંડ્યા નામનો આ લંપટ શિક્ષક આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતી સગીર વયની માસુમ બાળકીઓ સાથે છેલ્લા ત્રણ ચાર મહિનાથી શારીરિક અડપલા કરતો હતો. આ લંપટ શિક્ષક માસુમ બાળકીઓને એકલતાનો લાભ મળે ત્યારે પોતાના મોબાઈલમા અશ્લીલ વિડિઓ પણ બતાવતો હતો. જોકે આશ્રમ શાળામા અભ્યાસ કરતી એક સગીરાએ પોતાની સાથે થઇ રહેલ હેવાનિયતની વાત મોબાઈલ પર રડતા રડતા તેના દાદાને જણાવી હતી. જેથી આશ્રમ શાળા પર દોડી આવેલા દાદાએ માંડવી પોલીસને આ મામલે ફરિયાદ નોંધાવી હતી. માંડવી પોલીસે ઘટનાની ગંભીરતા સમજી આશ્રમ શાળાએ જઈ લંપટ શિક્ષક હાર્દિક પંડ્યાની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમા ખુલ્યું હતું કે આ લંપટ શિક્ષક ફરિયાદ સગીરા સિવાય અન્ય ત્રણ સગીરાઓ સાથે પણ શારીરિક અડપલા કરતો હતો. સગીરાઓના નિવેદન બાદ લંપટ શિક્ષકનો મોબાઈલ પોલીસે કબ્જે લઇ તપાસ કરતા મોબાઈલની સર્ચ હિસ્ટ્રીમાંથી પણ અશ્લીલ વેબસાઈટો મળી આવી હતી. પોલીસ તપાસમાં એ પણ ખુલાસો થયો હતો લંપટ શિક્ષક જૂલાઇ મહિનાથી આ રીતે શારીરિક શોષણ કરતો હતો. તે દોઢ વર્ષ પહેલા ભાવનગરથી આવી આશ્રમ શાળામા નોકરી શરૂ કરી હતી અને ગત જૂલાઈ મહિનાથી સગીરાઓની છેડતી કરતો હતો. જોકે ગત 15 ઓગસ્ટના દિવસે શિક્ષકે કરેલા કૃત્યની જાણ સગીરાએ આશ્રમ શાળામાં જમવાનું બનાવતા મહિલા કર્મચારીને કરી હતી અને આ મહિલા કર્મચારીએ બીજા દિવસે શાળાના મહિલા આચાર્યને ઘટનાથી જાણકારી આપી હતી પરંતુ મહિલા આચાર્યએ આ મામલે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કે સ્કૂલમાં ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કેમ ના કરી તે એક સવાલ છે. એક સગીરાએ હિંમત કરી પોતાના દાદાને જાણ કરતાં સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ માટે આરોપીના મોબાઈલ ને એફ.એલ.એસ.મા મોકલવાની તજવીજ હાથ ધરી છે.