ગુજરાતના આ જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ 775 કેસ નોંધાયા
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નેતા અને કાર્યકર્તાઓ સતત કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં સુરત (Surat) જિલ્લામાં કોરોના (Corona virus)ના રેકોર્ડબ્રેક 775 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણ હાલ પિક પર છે અને તેમા સૌથી વધુ પ્રભાવિત શહેર સુરત છે. સુરત શહેરમાં 611 અને ગ્રામ્યના 164 મળી છેલ્લા 24 કલાકમાાં કોરોનાના કુલ 775 કેસ નોંધાયા છે.
સુરત શહેરમાં સૌથી વધુ અઠવામાં 112, રાંદેરમાં 103 અને લિંબાયતમાં 80 કેસ છે. સુરત શહેરમાં કુલ કેસનો આંકડો 48 હજાર 466 અને મૃત્યુઆંક 878 થયો છે. જ્યારે ગ્રામ્યમાં કુલ કેસ 14 હજાર 664 કેસ છે. તો મૃત્યુઆંક 287 છે. આમ શહેર અને ગ્રામ્ય મળીને કુલ કેસનો આંકડો 63 હજાર 130 અને મૃત્યુઆંક 1 હજાર 165 છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ નેતા અને કાર્યકર્તાઓ સતત કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. સુરતમાં મનપાના હોસ્પિટલ સમિતિ ચેરમેન રાજેશ જોલિયા અને કતારગામ વોર્ડ નબર 7ના નગર સેવક નરેંદ્ર પાંડવ કોરોના સંક્રમિત થયા છે. હાલ બંને નેતાઓ હોમ ક્વોરંટાઈન થયા છે અને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરી છે.
સુરતમાં માત્ર બે દિવસમાં ભાજપના 7 અન આમ આદમી પાર્ટીના એક નગરસેવક કોરોના સંક્રમિત થયા છે. જે ચિંતાનું કારણ છે.
નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 2270 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1605 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
રાજ્યમાં અત્યાર સુધી 2,84,846 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 11 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 11528 પર પહોંચ્યા છે. જેમાંથી 152 લોકો વેન્ટિલેટર પર અને 11376 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.68 ટકા પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશન(AMC)માં 2, સુરત કોર્પોરેશન(SMC)માં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 8 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4492 લોકોના કોરોનાથી મોત થયા છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1605 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,84,846 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11528 છે.