(Source: ECI/ABP News/ABP Majha)
Surat: આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ, ભારત પર હુમલાનો હતો ઈરાદો?
Surat News: સુમેરા કન્યા કુમારીથી સુરત પોતાના પિતાને મળવા આવી હતી. સુમેરા બે સંતાનોની માતા છે.
Surat: આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી મહિલાને ઝડપી લેવામાં આવી હતી. શહેરના લાલગેટ વિસ્તારમાંથી ‘ સુમેરા નામની મહિલાની અટકાયત કરીને Ats પોરબંદર લઈ ગઈ. પોરબંદરમાં પણ એટીએસે એ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં બે લોકોની અટકાયત કરાઈ હતી. જેમની પૂછપરછ માં સુરતની મહિલાનું નામ બહાર આવ્યું હતું.
બે સંતાનોની માતા પિતાને આવી હતી મળવા
સુમેરા કન્યા કુમારીથી સુરત પોતાના પિતાને મળવા આવી હતી. સુમેરા બે સંતાનોની માતા છે. મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે. એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલી મહિલાના દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં લગ્ન થયા હતા. બે સંતાનોની માતા એવી આ મહિલા હાલ તેના પરિવારને ત્યાં આવી હતી.
ભારત કે અન્ય દેશમાં હુમલાનો ઈરાદો હતો ?
મહિલાની ઈરાન થઈ અફઘાન જવાની યોજના હતી. પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવિન્સ અફઘાન, પાકિસ્તાન અને તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં કાર્યરત છે. અટકાયતમાં લેવાયેલા શકમંદો વિશે કહેવાય છે કે, તેઓ પહેલાં ઈરાન ત્યાંથી અફધાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતા. આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં હુમલા કરવાના ઈરાદા હતા. હાલ ATS ની ઓપરેશનની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
રાંદેરમાં હિન્દુ વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઝડપાયો
ગુજરાતની આર્થિક પાટનગરી સુરતમાં રોજીરોટીની તલાશમાં દેશના વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ જેવા પાડોશી રાષ્ટ્રોમાંથી લોકો આવે છે. જોકે, તે પૈકી બાંગ્લાદેશમાંથી આવતા લોકો મોટા ભાગે એજન્ટો મારફતે ગેરકાયદેસર રીતે સરહદ ક્રોસ કરી વાયા પશ્ચિમ બંગાળ સુરત આવે છે. બાંગ્લાદેશની બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરી સુરતમાં છ વર્ષથી રાંદેર પોલીસ સ્ટેશનથી માંડ બે કી.મીના અંતરે હિન્દુ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી યુવાને હિન્દુ નામ સહિતના ત્રણ આધારકાર્ડ બનાવ્યા હતા.એસઓજીએ તેને ઝડપાતા તેની પાસેથી આધારકાર્ડ ઉપરાંત, પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ અને બે મોબાઈલ ફોન મળ્યા હતા. મૂળ બાંગ્લાદેશના જોશર જીલ્લાના જુમજુમપુર નીલગંજ ગામનો વતની મો.સોહાગબાબુ મો.ઈસરાઇલ મુલ્લા વર્ષ 2017 માં બાંગ્લાદેશની બોર્ડર ગેરકાયદેસર રીતે ક્રોસ કરી ભારતમાં પ્રવેશી સુરત આવ્યો હતો અને હિન્દુ વિસ્તારમાં રહેવા માંડયો હતો. મિનરલ વોટર સપ્લાયનું કામ કરતા મો.સોહાગબાબુ મુલ્લાએ પોતાના જન્મનો દાખલો બનાવડાવી તેના આધારે હિન્દુ નામ સહિતના ત્રણ આધારકાર્ડ બનાવ્યા હતા.તેણે કોરોનામાં વેક્સીન પણ લીધી હતી.એસઓજીએ ત્રણેય આધારકાર્ડ ઉપરાંત પાનકાર્ડ, ઈલેક્શન કાર્ડ અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.40 હજારનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધ રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધાવી તેણે કોની પાસે ભારતીય ઓળખના પુરાવા બનાવડાવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરી છે.