Bogus Gun License Scam: હથિયારના નકલી લાયસન્સ લેનારાઓના નામ જાહેર કરવા માંગ ઉઠી, કોણે બચાવી રહી છે પોલીસ ?
Bogus Gun License Scam: નકલી લાયસન્સ પર હથિયારો લેનારાઓના ભેદભરમ હજુપણ યથાવત છે, નકલી લાયસન્સ પર પિસ્તૉલ-રિવૉલ્વર ખરીદનારાઓની ધરપકડની રાહ જોવાઇ રહી છે

Bogus Gun License Scam: ઝડપથી પ્રસરી રહેલા નકલી હથિયાર લાયસન્સના વેપાર મામલે ભેદભરમ યથાવત છે, લોકોની માંગ ઉઠી છે કે, નકલી લાયસન્સ મેળવનારાઓના નામ જાહેર કરાય, અને પિસ્તૉલ કે રિવૉલ્વરની ખરીદી કરનારાઓની ધરપકડ પણ થાય. જોકે, આ બધાની વચ્ચે પોલીસ સમગ્ર પ્રક્રિયામાં બાંધછોડ કરી રહી હોય તેવી આશંકાઓ સેવાઇ રહી છે. પોલીસ હથિયારોના નકલી લાયસન્સ મામલે કોણે બચાવી રહી છે, તેવા પણ સવાલો ઉઠવા લાગ્યા છે.
બૉગસ દસ્તાવેજોના આધારે નકલી ગન લાઇસન્સ કાઢી આપવાના ચકચારભર્યા રાષ્ટ્રવ્યાપી કૌભાંડમાં પકડાયેલા 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. એટીએસની પ્રાથમિક તપાસમાં બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં અત્યાર સુધીમાં 115થી વધુ લોકોની સંડોવણીનો પર્દાફાશ થયો છે. સાત પૈકીના ત્રણ આરોપીઓએ ખોટી રીતે ગન લાઇસન્સથી મેળવેલી ત્રણ પિસ્ટલ-રિવોલ્વરનો કયાંક ને કયાંક ઉપયોગ કરાયો છે. વિશાલ પંડ્યા, અર્જુન અલગોતર અને ધૈર્ય ઝરીવાલા પિસ્ટલ અને રિવોલ્વરના 171 કારતૂસ અંગે હિસાબ આપી શક્યાં નથી એટલે ક્યાં ફાયરિંગ કરાયા તેનો ભેદ ખોલાશે.
નકલી લાયસન્સ પર હથિયારો લેનારાઓના ભેદભરમ હજુપણ યથાવત છે, નકલી લાયસન્સ પર પિસ્તૉલ-રિવૉલ્વર ખરીદનારાઓની ધરપકડની રાહ જોવાઇ રહી છે. હથિયારના નકલી લાયસન્સ લેનારાઓના નામ જાહેર થાય તેવી લોક માંગ ઉઠી છે. બૉગસ લાયસન્સથી હથિયાર મેળવનારાઓના નામ જાહેર ના થતા અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. કેટલાક બની બેઠેલા સેલીબ્રિટીઓ, મોટા માથાઓએ પણ ખોટા લાયસન્સથી હથિયાર મેળવ્યાની ચર્ચાઓ છે. લોકોની માંગ છે કે, બૉગસ લાયસન્સથી હથિયારો લેનારાઓને પોલીસ બચાવવાનો પ્રયાસ કરે છે ? બૉગસ હથિયારથી લાયસન્સ લીધા છે તો કેમ પોલીસ નામો જાહેર નથી કરતી ?
આ પહેલા ગુજરાતમાં ગન કલ્ચરને મામલે સુરતમાંથી મોટી કાર્યવાહી સામે આવી હતી, ક્રાઇમ બ્રાન્ચે દેશમાં ગેરકાયદ હથિયાર લાવવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. નાગાલેન્ડથી ગુજરાતમાં હથિયાર લાવવાનું કૌભાંડ ઝડપાયું છે જેમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે 7 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓ સહિત પોલીસે વિદેશના 16 રિવૉલ્વર હથિયાર કબ્જે કર્યા હતા. સુરત શહેરમાં મોટા પ્રમાણમાં હથિયારો લાવવામાં આવ્યા હતા. ગુજરાતમાં ગન કલ્ચરને લઈ સતત સનસનીખેજ ખુલાસાઓ સામે આવી રહ્યા હતા એવામાં આરોપીઓ ઝડપાતા સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસને વધુ વેગ આપ્યો અને પોતાની કાર્યવાહી આગળ ધપાવી હતી.
ગુજરાતમાં 108 આરોપીઓએ વેપન્સમાં લાયસન્સ લીધા છે. 7, 8 લાખથી શરૂ કરીને 20 લાખ રૂપિયા સુધીમાં લાઇસન્સ આપતા હતા. નાગાલેન્ડના ઇમ્ફાલમાંથી ચાર લાયસન્સની માહિતી શરૂઆતમાં મળી હતી. આ ચાર લાયસન્સની તપાસ કરતાં સમગ્ર પ્રકરણ ખુલ્યું હતું. આ મામલે 49 ઈસમોની સંડોવણી હોવાનું ખુલ્યું હતું જેમાંથી આ પહેલા 7 લોકોની ધરપકડ થઈ હતી. દરમિયાન સુરતમાંથી બીજા 4 આરોપી ઝડપાયા છે. ટીમ અત્યારે પણ મણિપુર અને નાગાલેન્ડમાં તાપસ કરી રહી છે. છેલ્લા છ વર્ષમાં તમામ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. લાયસન્સ મેળવનારામાં સુરત ઉપરાંત આણંદ, વડોદરા, જૂનાગઢ, જામનગર, મોરબી, અમદાવાદ સહિત 14 લોકો સામેલ છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી મોટાભાગના લોકોએ ક્યારેય નાગાલેન્ડ ગયા નથી. કામરેજના સેલાભાઈ બોડિયા અને હરિયાણાનો આસિફ પોતાના નેટવર્ક મારફતે નાગાલેન્ડમાં રહેણાંકના નકલી પુરાવા બનાવી તેમનું ઓલ ઇન્ડિયા પરમિટવાળું બોગસ લાયસન્સ તૈયાર કરાવતો હતો. એક લાયસન્સ બનાવવાની કિંમત અંદાજે 8થી 10 લાખ સુધી વસૂલવામાં આવતી હતી. લાયસન્સ તૈયાર થયા બાદ કુરિયરના માધ્યમથી સુરત મોકલવામાં આવતું હતું. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, આસિફ લોકો પાસેથી દસ્તાવેજો મંગાવી તેમને લાયસન્સ બનાવી આપતો હતો અને આ માટે 10 લાખ સુધીની લાંચ વસૂલતો હતો. પૈસા દિલ્હી અથવા નોઈડાના આંગડિયા મારફતે મોકલાતા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ચાર ટીમ બનાવી છે જેમાંથી એક ટીમ નાગાલેન્ડ મોકલવામાં આવી છે. જેથી તપાસ કરી શકાય કે, આ બોગસ લાયસન્સ કયા પ્રકારની પ્રક્રિયા દ્વારા તૈયાર કરાતા હતા. સાથે સાથે હથિયારના યુનિક નંબર અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કારણ કે, કેટલાક હથિયારના નંબર સરકારી વેબસાઈટ પર રજિસ્ટર્ડ જોવા મળ્યા હતા.
ATSએ 6 હથિયાર, 135 રાઉન્ડ સાથે 7 આરોપી ઝડપ્યા
બહારના રાજ્યોમાંથી બોગસ હથિયારના લાયસન્સ થકી હથિયાર મેળવતી ગેંગને ATS એ ઝડપી હતી. આ ગેંગના કુલ સાત આરોપી સેલા બોડિયા, વિશાલ પંડ્યા, અર્જુન અલગોતાર, ધૈર્ય ઝારીવાલા, સદમ હુસૈન, બ્રિજેશ મહેતા અને મુકેશ પાસેથી 6 હથિયાર અને 135 રાઉન્ડ કબ્જે કરવામાં આવ્યા હતા. આરોપીઓ ગુજરાતમાંથી લાયસન્સ ન મળી શકે તેવા લોકોને હરિયાણા લઈ જઇને અન્ય રાજ્યોમાંથી હથિયાર અને લાયસન્સ અપાવતા હતા. આ કેસમાં જોડાયેલા 108 આરોપીઓની તપાસ કરવામાં આવી રહી છે.





















