ગુજરાતના આ મોટા શહેરની સ્કૂલોમાં કોરોના વિસ્ફોટ, 13 દિવસમાં 110 વિદ્યાર્થી પોઝિટિવ, ઓમિક્રોનનો કેસ પણ નોંધાયો
આ જિલ્લામાં છેલ્લા 13 દિવસમાં જ કોરોનાના કેસોમાં 9 ગણો વધારો નોંધાયો છે. છેલ્લા 13 દિવસમાં શહેર જિલ્લામાં 620 કેસ નોંધાયા છે
સુરતઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરતમાં પણ કોરોનાના દૈનિક કેસો હવે 150થી વધુ નોંધાવાનું શરૂ થઈ ગયું છે. આઘાતજનક વાત એ છે કે, સુરતની સ્કૂલોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્કૂલ-કોલેજોમાં છેલ્લા 13 દિવસમાં 110 જેટલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં સત્તાવળા પણ ચોંકી ઉઠ્યા છે.
સુરતમાં છેલ્લા 13 દિવસમાં જ કોરોનાના કેસોમાં 9 ગણો વધારો નોંધાયો છે. છેલ્લા 13 દિવસમાં સુરત શહેર જિલ્લામાં 620 કેસ નોંધાયા છે. 20 ડિસેમ્બરના રોજ સુરતમાં માત્ર 8 કેસ નોંધાયા હતા. 1 જાન્યુઆરીએ 164 કેસ નોંધાયા હતા. આમ છેલ્લા 13 દિવસમાં જ કોરોનાના કેસમાં 20 ગણો વધારો નોંધાયો છે. સુરતમાં ઓમિક્રોનના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે.
સુરતમાં શનિવારે એક જ દિવસમાં 26 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા હતા. આ પહેલાં 20 ડિસેમ્બરના રોજ 3 વિદ્યાર્થી સંક્રમિત થયા હતા અને ત્યારથી વિદ્યાર્થીઓના સંક્રમણનો સિલસિલો શરૂ થયો છે. એક જ દિવસમાં 26 વિદ્યાર્થી સંક્રમિત થતાં સૌ ચોંકી ઉઠ્યા છે.
રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય વિદ્યાર્થિનીનો રિપોર્ટ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. આ વિદ્યાર્થીની જે ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરે છે તે સ્કૂલમાં એક વિદ્યાર્થી પોઝિટિવ આવતા કોન્ટેક ટ્રેસિંગ કરી વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ પૈકી આ વિદ્યાર્થિનીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થિનીને પણ કોઈ તકલીફ વગર કોરોનામાંથી મુક્તિ મળી ચૂકી છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી ઓમિક્રોન સુરતમાં પ્રસરી ગયો હોવાનો માહોલ ઊભો થયો છે.
સ્કૂલોમાં કોરોનાના કેસ આવતા મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાનો નિયમ બદલ્યો છે. પહેલાં કોરોનાનો કેસ આવે તો આખી સ્કૂલ 14 દિવસ માટે બંધ કરવાનો આદેશ આપાયો હતો. ત્યાર બાદ વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તેનો ક્લાસ જ બંધ કરવાનો આદેશ આપાયો હતો. ણ છેલ્લા થોડા દિવસોથી વિદ્યાર્થીઓ સતત પોઝિટિવ આવતા હોવાના કારણે ફરી એક વખત એક વિદ્યાર્થી પણ પોઝિટિવ આવે તો સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.