Navsari : પોલીસ સ્ટેશનમાં બે યુવકોનો શંકાસ્પદ આપઘાત પ્રકરણમાં આજે ડાંગ સજ્જડ બંધ
ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં વેપારી સંગઠનો અને પ્રવાસન સ્થળ સજ્જડ બંધ રહ્યા હતા. ડાંગમાં બંધના કારણે તમામ તાલુકાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડાંગઃ નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે યુવાનોના આપઘાત પ્રકરણ મામલે આજે ડાંગમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને પગલે આજે ડાંગ સજ્જડ બંધ રહ્યું હતું. સ્થાનિક આગેવાનો દ્વારા આજે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું છે. ડાંગ બંધને તમામ વર્ગના લોકોએ સમર્થન આપ્યું છે. ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં વેપારી સંગઠનો અને પ્રવાસન સ્થળ સજ્જડ બંધ રહ્યા હતા. ડાંગમાં બંધના કારણે તમામ તાલુકાઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આરોપીના શંકાસ્પદ અકસ્માત મોતનો મામલે પોલીસ વડાએ મોટું પગલું ભર્યું હતું. એક PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા બાદ પીઆઇ એ.આર વાળા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. વાળાની પહેલા માત્ર બદલી કરવામાં આવી હતી. બદલીના બે કલાકમાં પોલીસ વડાએ પી.આઈ.ને પણ સસ્પેન્ડ કરી દીધા છે.
નોંધનીય છે કે, ડાંગના વઘઇ ગામના બે યુવાન સુનિલ પવાર અને રવિને ચીખલી પોલીસ ગુનામા શંકાના આધારે ઉંચકી ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસ સ્ટેશનમાંથી બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતી. યુવાનોના શંકાસ્પદ મોતના લીધે ચીખલી તેમજ ડાંગ જિલ્લાના અગ્રણીઓ તેમજ રાજકીય આગેવાનો ચીખલી પોલીસ સ્ટેશનને ધામા નાખ્યા હતા. યુવાનોના કયા કારણોસર મૃત્યુ થયા છે અને યુવાનોના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ, એવી માંગણી કરી હતી.
યુવાનોના સુરત એફએસએલે સેમ્પલ લીધા પછી બંને યુવાનોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવાયા હતા. ગઈ કાલે ગુરૂવારે સવારે વઘઇ મુકામે બંને યુવાનોની અંતિમવિધિ કરાઇ હતી. વઘઈમાં અણબનાવ નહીં બને તેના માટે પોલીસે ચાપતો બંદોબસ્ત રાખ્યો હતો. નવસારી જિલ્લામાં પણ આદિવાસી સમાજના આગેવાનોએ તથા સંગઠનોએ યુવાનોના આપઘાત કેસમાં તલસ્પર્શી તપાસ કરી કસૂરવારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પ્રિયંકા ગાંધીના માનીતા યુવા નેતાની નિમણૂકનો તખ્તો તૈયાર, જાણો નેતાએ શું મૂકી શરત ?
અમદાવાદઃ રાજીવ સાતવના અકાળે થયેલા નિધનના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદ ખાલી પડ્યું છે. આ હોદ્દા પર હવે સચિન પાયલોટની નિમણૂક થઈ શકે છે. કોંગ્રેસનાં સૂત્રોએ આપેલી વિગતો પ્રમાણે , સચિન પાયલોટ ગુજરાત કોંગ્રેસના પ્રભારી બની શકે છે. રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલોટની ગુજરાત કોંગ્રેસના પ્રભારીપદે નિમણૂકની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહમાં થઈ શકે છે .
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના CM અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે સમાધાન થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારીપદે સચિન પાયલોટની નિમણૂક નિર્ણય લેવાયો છે. પાયલોટ અને ગેહલોત વચ્ચે થયેલા સમાધાન પ્રમાણે સચિન પાયલોટ જૂથના ધારાસભ્યોને રાજસ્થાન સરકારમાં મંત્રીપદ મળશે. પોતાના જૂથના MLA મંત્રી બન્યા બાદ સચિન પાયલોટ ગુજરાતની કમાન સાંભળશે અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે કામગીરી શરૂ કરશે.