દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે સુરત આવશે
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે સાત વાગ્યે સુરત પહોંચશે.
![દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે સુરત આવશે Delhi's Deputy Chief Minister and Aam Aadmi Party leader Manish Sisodia will visit surat દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા આવતીકાલે સુરત આવશે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/26/0bdd2c55182402b6021d8f063d267b2b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા આવતીકાલે એટલે કે રવિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. મહત્વનું છે કે બે દિવસ પહેલા જ આપ નેતા મનીષ સિસોદિયા સુરત આવવાના હતા પરંતુ બાદમાં તેઓનો સુરત પ્રવાસ રદ થયો હતો. તેઓની તબિયત ખરાબ થતા તેમણે ગુજરાત પ્રવાસ રદ કર્યો હતો.
મળતી જાણકારી અનુસારમનીષ સિસોદિયા સવારે સાત વાગ્યે સુરત પહોંચશે. બાદમાં તેઓ સર્કિટ હાઉસ પહોંચશે. સવારે નવ વાગ્યાથી 10:45 સુધી આપ પાર્ટીના કાઉન્સિલર્સ સાથે બેઠક કરશે. 11 વાગ્યે સુરતના વરિષ્ઠ લોકો સાથે મુલાકાત કરશે અને 12 વાગ્યે રોટલી હોલ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. સાંજે ચાર વાગ્યે મહાનગરપાલિકા ચૂંટણીમાં ચૂંટાયેલા આપના સભ્યો સાથે બેઠક કરશે. અને સાંજે સાત વાગ્યે તેઓ સુરતથી દિલ્હી જવા રવાના થશે.
મનીષ સિસોદિયાના સુરત પ્રવાસ દરમિયાન એક દિગ્ગજ હીરા ઉદ્યોગપતિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રોના મતે સામાજિક કાર્યો સાથે જોડાયેલા આ ઉદ્યોગપતિને આમ આદમી પાર્ટીમાં જોડવાનો તખ્તો ગોઠવાઈ ચૂક્યો છે.
તો મનીષ સિસોદિયા સુરતમાં પાર્ટીના કોર્પોરેટરોને પણ મળશે. નોંધનીય છે કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં 120 બેઠકોવાળી સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટર ચૂંટાયા હતા. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ પણ એડીચોટીનું જોર લગાવાનું શરૂ કરી દીધું છે.
નોંધનીય છે કે આ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. તેમણે આપ પક્ષના મુખ્ય કાર્યાલયનું અમદાવાદમાં ઉદ્ધાટન કર્યું હતું અને કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે પૂર્વ પત્રકાર ઇશુદાન ગઢવીને આપ પાર્ટીમાં સામેલ કર્યા હતા. કેજરીવાલે જાહેરાત કરી હતી કે આમ આદમી પાર્ટી ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)