Surat: સુરતમાંથી નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયું, આધારકાર્ડ અને જન્મતારીખના દાખલા મળી આવ્યા
નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી જન સુવિધા કેન્દ્ર સુરતમાંથી ઝડપાયું છે. જે જનસુવિધા કેન્દ્રમાં જન્મના દાખલા, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના સરકારી આધાર પુરાવા બનાવી આપવામાં આવતા હતા.
સુરત: નકલી સરકારી અધિકારી બાદ હવે નકલી જન સુવિધા કેન્દ્ર સુરતમાંથી ઝડપાયું છે. જે જનસુવિધા કેન્દ્રમાં જન્મના દાખલા, આધાર કાર્ડ, પાનકાર્ડ સહિતના સરકારી આધાર પુરાવા બનાવી આપવામાં આવતા હતા. મળેલી માહિતીના આધારે પુણા મામલતદારે કાપોદ્રા અને પુણા પોલીસને સાથે રાખી અહીં દરોડા પાડતા ઢગલા બંધ આધારકાર્ડ, જન્મતારીખના દાખલાઓ અને બોગસ વેરાબિલ સહિત સરકારી આધાર પુરાવાઓ મળી આવતા નકલી જન સુવિધા કેન્દ્ર કચેરીના ધારક નિકુંજ દુધાતની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
સુરત હોય કે અન્ય રાજ્ય નકલી IPSથી લઈ નકલી સરકારી અધિકારીઓ હમણાં સુધી ઝડપાયા હોવાના અહેવાલ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં નકલી જન સુવિધા કેન્દ્ર મળી આવ્યું છે. જે જન સુવિધા કેન્દ્રના ધારક દ્વારા 500 રૂપિયાથી વધુની તગડી રકમ વસૂલી લોકોને જન્મના દાખલાથી લઈ આધારકાર્ડ ,પાનકાર્ડ તેમજ અન્ય સરકારી પુરાવાઓ બનાવી આપવામાં આવતા હતા. જે માહિતી સુરતના પુણા મામલતદારને મળી હતી. એક દિવસ પહેલા પુના મામલતદાર રોશની પટેલને આ બાબતની જાણકારી મળતા પુણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
જે બાદ પુણા પોલીસે કાપોદ્રા પોલીસની મદદથી યોગીચોક ખાતે આવેલા જલારામ કોમ્પ્લેક્સની અંદર ભગવતી કન્સલ્ટન્સી અને જન સુવિધા કેન્દ્રમાં છાપો માર્યો હતો. જેમાં કોઈપણ સરકારી વિભાગની પૂર્વ મંજૂરી વગર નિકુંજ દુધાત નામના શખ્સ દ્વારા અહીં આવેલ નકલી જન સુવિધા કેન્દ્રની અંદર લોકોને રૂપિયા 500થી લઈ રૂપિયા 600 સુધીની રકમ વસૂલી બોગસ જન્મના દાખલા, આધાર કાર્ડ,પાનકાર્ડ સહિત સરકારી પુરાવાઓ બનાવી આપવામાં આવતા હોવાની હકીકત સામે આવી હતી. નકલી જન સુવિધા કેન્દ્રના ધારક નિકુંજ દુધાતની ઓફિસમાં રહેલા લેપટોપ અને કોમ્પ્યુટરની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.
જે તપાસમાં કોમ્પ્યુટરમાંથી અલગ-અલગ 27 જેટલી ફાઈલો અને પીડીએફ ઉપરાંત અલગ- અલગ ડોક્યુમેન્ટના ફોર્મેટ મળી આવ્યા હતા. બીજી તરફ ઢગલા બંધ બોગસ આધારકાર્ડ સહિતના પુરાવાઓ પણ પોલીસના હાથે લાગ્યા હતા. જે તમામ પુરાવાઓ અંગેની ઝીણવટ ભરી રીતે તપાસ કરતા બોગસ હોવાનું સામે આવ્યું હતું. પુણા મામલતદાર કચેરીના અધિકારી રોશની પટેલ દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે નકલી જન સુવિધા કેન્દ્રના ધારક નિકુંજ દુધાતની ધરપકડ કરી હતી.
કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે આરોપીની હાલ ધરપકડ કરી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીએ હમણાં સુધી કેટલા આવા બોગસ આધાર પુરાવા લોકોને બનાવી આપ્યા છે તેની ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. આ સિવાય કોમ્પ્યુટર અને લેપટોપમાંથી પણ વધુ વિગતો મેળવવામાં આવી રહી છે. આરોપીની ધરપકડ કરી સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં કોર્ટમાંથી 26 માર્ચ સુધીના આરોપીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.