સુરતમાંથી પકડાયા ચાર નકલી પત્રકારો, વિઝા એજન્ટ પાસે માંગી હતી એક લાખની ખંડણી
Surat News : આ નકલી પત્રકારોએ વિઝા એજન્ટને ધમકી આપી હતી કે જો એક લાખ રૂપિયા નહીં આપે તો તેના સમાચાર ન્યુઝ ચેનલમાં બતાવીશું.
Surat : સુરતમાંથી ચાર નકલી પત્રકારો પોલીસના હાથે ઝડપાયા છે. સુરતના અમરોલી વિસ્તારમાં આ ચાર નકલી પત્રકારોએ એક વિઝા એજન્ટને ટાર્ગેટ બનાવ્યો હતો અને તેની પાસેથી એક લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આ નકલી પત્રકારોએ વિઝા એજન્ટને ધમકી આપી હતી કે જો એક લાખ રૂપિયા નહીં આપે તો તેના સમાચાર ન્યુઝ ચેનલમાં બતાવીશું. આ મામલે વિઝા એજન્ટે પોલીસનો સંપર્ક કરતા પોલીસે આ ચારેય નકલી પત્રકારોને ઝડપી પાડ્યા છે.
પોલીસને આ ચાર નકલી પત્રકારોમાંથી ત્રણ પાસેથી અલગ અલગ પ્રેસકાર્ડ અને આઈડી કાર્ડ મળી આવ્યાં હતા, જેના આધારે તેઓ વિઝા એજન્ટ જેવા લોકોને ટાર્ગેટ બનાવતા હતા.આ કાર્ડમાં હ્યુમન રાઈટ મિશન,ડિજિટલ સતર્ક,ટાઈમ્સ વોચ,મીડિયા એવમ, પોલીસ પબ્લિકના આઈકાર્ડ મળી આવ્યા હતા. આ નકલી પત્રકારો CBI અધિકારી, પોલીસ અને પત્રકાર બની બ્લેક મેલીંગ કરતા હતા અને નાણાં પડાવતા હતા.
સુરત હવે સ્લમ ફ્રી સિટી બનાવા જઈ રહ્યું છે
સ્માર્ટ સિટી અને મેટ્રો સીટી તરફ દોટ મુકી રહેલું સુરત હવે સ્લમ ફ્રી સિટી બનાવા જઈ રહ્યું છે. છેલ્લા એક દાયકામાં સુરત શહેરમાં પંદરેક ટકા જેટલો સ્લમ વિસ્તાર ઘટ્યો છે. 2011માં સુરતમાં 20.87 ટકા વિસ્તાર સ્લમ હતો પરંતુ સરકારની વિવિધ યોજના હેઠળ આવાસ બનતાં સ્લમ વિસ્તાર ઘટીને 5.99 ટકા થયો છે. કેન્દ્રની યુપીએ સરકારની જે.એન.યુ.આર.એમ. યોજના સુરત શહેરને સ્લમ ફ્રી સિટી બનાવવા માટેનું બળ આપી ગઈ હતી.
આ યોજના હેઠળ સુરતના તાપી નદીના કિનારે વસેલી બાપુનગર નામની સુરતની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ઉપરાંત ગોપીતળાવ ઝુંપડપટ્ટી સહિત શહેરની અનેક ઝૂંપડપટ્ટીનું સ્ળાંતર શક્ય બન્યું હતુ. આ યોજના શરૃ થઈ તે પહેલાં એટલે સુરતમાં 2011માં સ્લમ વિસ્તાર 20.87 ટકા હતો. પરંતુ જે.એન.યુ.આર.એમ. યોજના ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના, વામ્બે આવાસ, એલ.આઈ.જી., ઇડબલ્યુએસ આવાસ સહિતના અનેક આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ શહેરમાં 94888 આવાસ બન્યા છે. જેના કારણે હાલ સ્લમ વિસ્તાર ઘટીને 5.99 ટકા થઇ ગયો છે. આ આંકડો આગામી દિવસમાં વધુ ઘટવાની શક્યતા છે.