સુરતની આ સરકારી શાળામાં બાળકોના એડમિશન માટે વાલીઓએ લગાવી લાંબી લાઈનો, જાણો આ સ્કૂલ વિશે
સુરતમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી લાઇનો લાગી છે. ખાનગી શાળાની તોતિંગ ફીના કારણે વાલીઓ પરેશાન છે ત્યારે સરકારી શાળામાં મફત શિક્ષણ મળે છ.
સુરત: સુરતમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે લાંબી લાઇનો લાગી છે. ખાનગી શાળાની તોતિંગ ફીના કારણે વાલીઓ પરેશાન છે ત્યારે સરકારી શાળામાં મફત શિક્ષણ મળે છ. જેથી બાળકોના એડમિશન લેવા માટે વાલીઓની લાંબી લાઇનો લાગી છે. સુરત મનપા સમિતિની મહારાજા કૃષ્ણસિંહજી સ્કૂલમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં બાલ વાટિકાથી ધોરણ 8 સુધી એડમિશન માટે લાઈનો લાગી છે. આજે નામ નોંધણી કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના એડમિશન માટે માટે ડ્રો કરવામાં આવશે. ગત વર્ષે 4200 ફોર્મ ભરાયા હતા 3 હજાર જેટલું વેઈટીંગ હતું. આ વર્ષે પણ એ જ પરિસ્થિતિ જોવા મળી છે. ખાનગી સ્કૂલની જેમ અહીં તમામ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળે છે. જેમાં ડિજિટલ બોર્ડ, કોમ્યુટર કલાસ, સ્માર્ટ કલાસ સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીઓને અહીં મફતમાં અભ્યાસ કરવામાં આવે છે.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા
સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં લાંબી કતાર અને નીચે બેઠેલા વાલીઓની લાઈન કોઈ સરકારી યોજના નો લાભ લેવા માટે નહીં પરંતુ પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે હતી. એક જ પરિસરમાં આવેલી ત્રણ પાલિકા સંચાલિત શાળામાં 3500 વિદ્યાર્થીઓની ક્ષમતા રહેલી છે. જેની સામે દર વર્ષે 2 હજારથી 3 હજાર જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ બોલે છે. જ્યાં ચાલુ વર્ષે પણ આ શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ રીતસરનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ શાળામાં માત્ર સામાન્ય અને ગરીબ વર્ગના નહીં પરંતુ શ્રીમંત પરિવારમાંથી આવતા લોકો પણ પોતાના બાળકોને શાળામાં એડમિશન અપાવવા માટે પ્રવેશ ફોર્મ ભરી રહ્યા છે.
શાળા તરફથી પ્રવેશ પ્રક્રિયા શરૂ
નવા શૈક્ષણિક સત્ર માટે શાળા તરફથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં આજે પ્રથમ દિવસે પોતાના બાળકોને એડમિશન અપાવવા માટે 600 જેટલા વાલીઓ દ્વારા પ્રવેશ ફોર્મ ભરવામાં આવ્યા છે. આ સરકારી શાળામાં શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. બાળકના જન્મ દિવસે કેક નહીં પરંતુ ધાર્મિક રીતે કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવે છે. શાળા પરિસરમાં એક પરિવારની જેમ અહીં સૌ કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ ઘર જેવું વાતાવરણ પૂરું પાડી બાળકોને અભ્યાસ આપવામાં આવે છે.
તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ
અહીં આચાર્યને પ્રિન્સિપલ નહીં પરંતુ ગુરુ અને શિક્ષકને ટીચર નહીં પરંતુ દીદી તરીકેના ઉપનામ આપી વિદ્યાર્થીઓ દ્વારા બોલાવવામાં આવે છે. જે શાળાના વાતાવરણથી પ્રભાવિત થઈ લોકો પોતાના બાળકોને અહીં પ્રવેશ અપાવવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ખાનગી શાળાની જેમ જ આ શાળામાં પણ તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે. જેનાથી પ્રભાવિત થઈ હાલ ખાનગી શાળામાં અભ્યાસ લઈ રહેલા પોતાના બાળકોને ઉઠાડી આ શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જેથી હવે સમય બદલાયો છે અને વાલીઓ ખાનગી શાળાના બદલે પોતાના બાળકોને હવે સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જેથી હવે ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓ પણ પાછળ રહી નથી.
સુરત મહાનગરપાલિકા સંચાલિત ઉતરાણ વિસ્તારમાં આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા વર્ષ 2017 માં શરૂ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી અદ્યતન સુવિધાઓ સાથેની આ શાળામાં શરૂઆતના ધોરણે 257 જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા હતી. ઉચ્ચ ડિગ્રી સાથે અભ્યાસ કરાવતા શિક્ષકોની શિક્ષણ પ્રણાલીકાના કારણે બાળકોમાં આવેલા સંસ્કારો અને સિંચનના કારણે વાલીઓ શાળાના આ કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. જ્યાં ધીમે-ધીમે આ શાળાઓમાં વાલીઓની સંખ્યા પણ ઉતરોતર વધતી ગઈ હતી. જે બાદ પાલિકા દ્વારા શાળાનું બાંધકામ પણ વધારવામાં આવ્યું હતું.જ્યાં આજે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 3500 જેટલી થઈ ગઈ છે. દર વર્ષે અહીં પ્રવેશ પ્રક્રિયા માટે વાલીઓનો ઘસારો રહે છે. જે ઘસારો ચાલુ વર્ષે પણ હાલ જોવા મળ્યો છે.
શાળાના આચાર્યોના જણાવ્યા પ્રમાણે પ્રથમ દિવસે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં 600 જેટલા પ્રવેશ ફોર્મ હમણાં સુધી આવી ચૂક્યા છે. જે આંક વધવાની પણ શક્યતાઓ રહેલી છે. સરકાર તરફથી જેમ જેમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ તેમ બાકી રહેલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવશે. પરંતુ સુરતના ઉતરાણ વિસ્તારમાં આવેલી આ શાળામાં પોતાના બાળકોને પ્રવેશ આપવા માટે વાલીઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની સરકારી શાળાઓમાં અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. એટલું નહીં પરંતુ શાળામાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો પણ બી.એડ પાસ હોવાથી વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન પણ ખુબ જ સારી રીતે થાય છે. તે જ કારણ છે કે હવે ખાનગી શાળાઓના બદલે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અભ્યાસ કરાવવા માટે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જેથી હવે વાલીઓમાં ખાનગી શાળાના બદલે સરકારી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટેનો ક્રેઝ પણ બદલાયો છે. જે સુરત મહાનગરપાલિકા માટે ગર્વ લેવાની બાબત બનીને સામે આવી છે.